ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે વિદેશી ઉચ્ચ શિક્ષણની શિષ્યવૃત્તિ અંગે કાર્યશાળા યોજાઈ
અમદાવાદ, 19 એપ્રિલ, 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, સોશિયલ સ્ટડીઝ ફાઉન્ડેશન અને સામાજિક સમરસતા મંચ (ગુજરાત)ના સંયુક્ત ઉપક્રમે તારીખ 18 એપ્રિલ, 2026ના રોજ વિદેશમાં ઉચ્ચ શિક્ષણની તકો અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન થયું. ‘ઓવરસીઝ હાયર ઍજ્યુકેશન સ્કૉલરશિપ ઍન્ડ સ્કીમ્સ’ વિષય પર કેન્દ્રિત આ કાર્યશાળા યુનિવર્સિટીના ગૌતમ સભાગૃહમાં યોજાઈ હતી.
માત્ર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી આ કાર્યશાળામાં યુનિવર્સિટીના કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાય, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ. ભાવિન ત્રિવેદી, સોશિયલ સ્ટડીઝ ફાઉન્ડેશન (SSF)ના ડાયરેક્ટર શ્રી પ્રમોદ ગોસાવી, કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને સામાજિક સમરસતા મંચના મંત્રીશ્રી ડૉ. વિજય ઝાલા તથા યુનિવર્સિટીના અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક ડૉ. અંકિત પરમાર ઉપસ્થિત રહ્યા. ઉપરાંત સામાજિક સમરસતા સંયોજક ડૉ. હેમાંગભાઈ પુરોહિત. સહ સંયોજક યોગેશભાઈ પારેખ પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા.

અધ્યક્ષ સ્થાનેથી પ્રો. અમી ઉપાધ્યાયે કહ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર સંઘર્ષના સમયે શિક્ષિત થયા પછી તેમણે સમાજ-રાષ્ટ્રને પોતાની શક્તિનું સમર્પણ કર્યું. આ પ્રકારની કાર્યશાળા એવા જિજ્ઞાસુ માટે પથદર્શક છે જેઓ પોતાના ભાવિને યોગ્ય દિશા આપવા માંગે છે. આ માટે BAOU પણ શિક્ષણને પરિવર્તનનું પરિવાહક બનાવવા દરેક વિદ્યાર્થી માટે કાર્યરત છે. વધુમાં જણાવ્યું કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ સરકારી અને અન્ય ફેલોશિપથી માહિતગાર થાય અને અન્ય સુધી જાણકારીને વહેંચે જેથી જ્ઞાનના આ પ્રવાહનો લાભ છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચે.
આ પણ વાંચોઃ GCCIના વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE 2026નું ભવ્ય સમાપન, “ધુરંધર” રાકેશ બેદીની પ્રેરક ઉપસ્થિતિ
સામાજિક ક્ષેત્રે સંશોધન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા ‘સોશિયલ સ્ટડીઝ ફાઉન્ડેશન’ (SSF) દ્વારા આયોજિત આ 12મી કાર્યશાળામાં શ્રી પ્રમોદ ગોસાવીએ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટેની ‘નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ’ (NOS) અને અન્ય શૈક્ષણિક યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું તથા સંસ્થાની વિવિધ કામગીરી જણાવી વિદ્યાર્થીઓને સામાજિક નિસબત સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
એ પછી SSFના CEO શ્રી વિજેન્દ્રજી સોનવાનેજી દ્વારા ‘Social Interaction and Wellbeing Scale’ નામની ઑનલાઇન કસોટી યોજવામાં આવી જેમાં સહભાગી વિદ્યાર્થીઓએ 45 મિનિટ ટેસ્ટ આપી હતી.
પર્સનાલિટી ડેવલપમેન્ટ ઍન્ડ સૉફ્ટ સ્કિલ્સ
શ્રી પ્રમોદ ગોસાવીએ ‘પર્સનાલિટી ડેવલપમેન્ટ ઍન્ડ સૉફ્ટ સ્કિલ્સ’ વિષય પર પોતાના અનુભવોના આધારે વક્તવ્ય આપતા સમયપાલન, તણાવ વ્યવસ્થાપન, અસરકારક સંવાદકૌશલ્ય, ટીમવર્ક અને વ્યાવસાયિક કારકિર્દી ઘડતર જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. એ પછી શ્રી વીજેન્દ્રજી સોનવાનેજીએ ઉચ્ચ શિક્ષણ અર્થે વિદેશગમન માટેની આવશ્યક પ્રક્રિયાઓ અને જરૂરી પ્રમાણપત્રો અંગે માહિતી આપી.
દિલ્હી યુનિવર્સિટીની રામજસ કૉલેજના રસાયણશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. શશિ બાલાએ ‘નેશનલ ઑવરસીઝ સ્કૉલરશિપ્સ ફૉર શિડ્યુલ્ડ કાસ્ટ્સ સ્ટુડન્ટ્સ’ યોજનાની પાત્રતા અને તેની વિવિધ જોગવાઈઓ અંગે સંપૂર્ણ જાણકારી આપી.
ડૉ. બાબાસાહેબ આંબેડકર લૉન યોજના
સંશોધક શ્રી એડવર્ડ મેંઢેએ ગુજરાતના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર લૉન યોજના’ વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ ગુજરાતના વતની એવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અનુસ્નાતક, પીએચ.ડી. કે અન્ય ઉચ્ચ અભ્યાસ અર્થે 4%ના રાહત દરે 15 લાખ રૂપિયા સુધીની શૈક્ષણિક લૉન મળવાપાત્ર છે.
સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ હરિયાણાના કમ્પ્યૂટર સાયન્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટૅક્નોલૉજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અનુપકુમાર તિવારીએ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસ માટે ઉપલબ્ધ ખાનગી શિષ્યવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે UG, PG અને Ph.D. કક્ષા માટે વિવિધ દેશોમાં મળતી કુલ 27 જેટલી ફેલોશિપની માહિતી આપી. જેમાં શિષ્યવૃત્તિના પ્રદાતાઓ, અરજી કરવાનો સમયગાળો, ઉપલબ્ધ બેઠકો અને મળવાપાત્ર આર્થિક સહાય જેવી ઉપયોગી વિગતો જણાવી.
સમરસતા મંચના સેવાકીય પ્રકલ્પો
કાર્યક્રમના અંતિમ ચરણમાં સમાપન સત્ર યોજાયું હતું, જેમાં સમગ્ર કાર્યશાળા દરમિયાન થયેલી વિષયલક્ષી ચર્ચા અને તેની ફળશ્રુતિ વિશે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. આ અવસરે ડૉ. વિજય ઝાલાએ સામાજિક સમરસતા મંચના સેવાકીય પ્રકલ્પોનો પરિચય આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રના સર્વાંગી ઉત્કર્ષ માટે સમાજના પ્રત્યેક સ્તરનું સંગઠિત થઈને આગળ વધવું અનિવાર્ય છે. ત્યારબાદ શ્રી પ્રમોદ ગોસાવીએ કાર્યશાળાની સફળતામાં સહભાગી થનારા સૌ મહાનુભાવો, વક્તાઓ અને પ્રતિભાગીઓનો આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમનું સંચાલન ડૉ. અંકિત પરમાર દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યશાળામાં વિવિધ વિદ્યાશાખાઓના આશરે 150 જેટલા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.


