સુરત, 19 એપ્રિલ 2026: Son-in-law arrested for burning mother-in-law શહેરના પાંડેસરા વિસ્તારમાં સાળીની સગાઈના વિવાદમાં જમાઈ દ્વારા સાસુ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી જીવતા સળગાવી દેતા સાસુનું સારવાર દરમિયાન સુરત સિવિલ હસ્પિટલમાં મોત નિપજ્યું હતું. સાસુની હત્યા નિપજાવ્યા બાદ જમાઈ શિરડી ભાગી ગયો હતો. અને સુરત પરત ફરતા જ પોલીસે જમાઈને પકડીને કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી હતી કે, શહેરના પાંડેસરા વિસ્તારમાંસગત તારીખ 15 એપ્રિલ 2026ના રોજ સવારે, જ્યારે રત્નાબેન સોનવણે પોતાના ઘરના ઓટલા પર બેઠા હતા, ત્યારે જમાઈ મનોહર મહાજન પ્લાસ્ટિકની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી (પેટ્રોલ અથવા કેમિકલ) અને સળગતું લાકડું લઈને ત્યાં પહોંચ્યો હતો. તેણે કાંઈ પણ વિચાર્યા વગર વૃદ્ધ સાસુ પર પ્રવાહી છાંટ્યું અને સળગતા લાકડા વડે આગ ચાંપી દીધી હતી. જોતજોતામાં રત્નાબેન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા અને તેમની ચીસથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. સાસુ રત્નાબેનને બચાવવા માટે આશાબેનનો દીકરો હરીશ વચ્ચે આવ્યો, ત્યારે હત્યારા મનોહરે તેને પણ સળગાવવાનો જીવલેણ પ્રયાસ કર્યો હતો. હરીશ નસીબજોગે બચી ગયો હતો, પરંતુ રત્નાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી મનોહર ત્યાંથી નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ અને દાઝેલી હાલતમાં વૃદ્ધાને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના બિછાને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા રત્નાબેન સોનવણેનું ગત રાત્રે કરુણ મોત નીપજ્યું હતું. શરૂઆતમાં પાંડેસરા પોલીસે આ મામલે ‘હત્યાની કોશિશ’નો ગુનો નોંધ્યો હતો. પરંતુ વૃદ્ધાના અવસાન બાદ હવે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) એટલે કે ‘હત્યા’નો ગુનો ઉમેરવામાં આવ્યો છે.
પાંડેસરા પોલીસ મથકના પી.આઈ. ડી.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે ગુનો કર્યા બાદ આરોપી મનોહર પોલીસથી બચવા માટે મહારાષ્ટ્રના શિરીડી ભાગી ગયો હતો. જોકે, પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેના પર નજર રાખી હતી. આરોપી મનોહરને જાણ થઈ કે તેની સાસુનું મોત થયું છે, તે સુરત પરત ફર્યો હતો. ભેસ્તાન વિસ્તારમાં પોલીસ તેને પકડવા માટે વોચમાં જ હતી અને જેવો તે દેખાયો કે તરત જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી છૂટક મજૂરી કરતો હતો. તે માનતો હતો કે તેના ઘરકંકાસના મૂળમાં તેની સાસુ છે. જ્વલનશીલ પ્રવાહી ક્યાંથી લાવ્યો તે બાબતે તેણે અત્યાર સુધી માહિતી છુપાવી છે, પરંતુ કેટલીક વિગતો આપી છે જેને અમે વેરીફાય કરી રહ્યા છીએ. લોકેશન અને કમ્યુનિકેશનના આધારે વધુ વિગતો ટૂંક સમયમાં જાણવા મળશે.


