અમદાવાદ, 19 એપ્રિલ 2026: Knife attack on PSI of Crime Branch શહેરની ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ સહિત પોલીસ કાફલો મોડી રાત્રે શહેરના ભાટ ગામે એમડી ડ્રગ્સની રેડ માટે ગયો હતો. દરમિયાન આરોપીઓ અને પોલીસની કારનો અકસ્માત થયો હતો, ત્યારે આરોપીએ PSI પર છરીથી હુમલો કર્યો હતો. જોકે પોલીસે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. ઇજાગ્રસ્ત પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવની વિગત એવી છે કે, શહેર ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, શહેરના ભાટ ગામ વિસ્તારમાં એમડી ડ્રગ્સ લઈને એક યુવક કારમાં પસાર થવાનો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કારને રોકવાની કોશિષ કરી હતી. પરંતુ યુવક નહી ઉભા રહેતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. યુવકની કાર અને ક્રાઈમ બ્રાંચની કાર એકબીજાને અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાની સાથે જ યુવક કારમાંથી ઉતર્યો હતો અને ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલો કરવા લાગ્યો હતો. યુવકે પોતાની પાસે રહેલી છરી કાઢી હતી અને પીએસઆઈ પર હુમલો કર્યો હતો. પીએસઆઈને ઈજા થતાની સાથે જ અન્ય ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીઓએ યુવકને ઝડપી લીધો હતો. પોલીસે કારની તપાસ કરતા 25 લાખથી વધુની કિંતનું એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતું. ઈજાગ્રસ્ત પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


