ભારતીય શેરબજારમાં કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો
મુંબઈ, 23 એપ્રિલ 2026: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ અમંગળ સાબિત થયો છે. સપ્તાહના કારોબાર દરમિયાન વૈશ્વિક દબાણ અને સ્થાનિક વેચવાલીને કારણે બજાર ‘રેડ ઝોન’માં ખૂલ્યું છે. રોકાણકારોની સાવચેતી વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી બંને મહત્વની સપાટીથી નીચે સરકી ગયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક 555 પોઇન્ટના ઘટાડા સાથે 77,973ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 130 પોઇન્ટ ગગડીને 24,248ની સપાટીએ પહોંચ્યો છે.
આજના કારોબારમાં સૌથી વધુ માર ઓટો શેરોને પડ્યો છે. ઓટોમોબાઈલ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓના શેરમાં મોટાપાયે વેચવાલી જોવા મળતા બજાર પર દબાણ વધ્યું છે. ભારતીય રૂપિયો પણ અમેરિકી ડોલર સામે નબળો પડ્યો છે. રૂપિયો 21 પૈસા ઘટીને પ્રતિ ડોલર 94 ના સ્તર પર ખૂલ્યો છે, જે આયાતકારો માટે ચિંતાનો વિષય બની શકે છે.
માત્ર શેરબજાર જ નહીં, પરંતુ બુલિયન માર્કેટમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે. સોનું સામાન્ય ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ 1,52,000 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ચાંદી 4,000 રૂપિયા તૂટીને પ્રતિ કિલો 2,44,000 રૂપિયાની સપાટીએ પહોંચી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે. હાલમાં ક્રૂડ ઓઇલ 98 થી 102 ડોલર પ્રતિ બેરલની વચ્ચે ટ્રેડ થઈ રહ્યું છે.
વધુ વાંચો: યમુના પ્રદૂષણ કેસમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે અનેક એજન્સીઓને નોટિસ ફટકારી


