Homeગુજરાતીનશા મુક્ત ભારત અભિયાન હવે વધુ હાઈટેક બનશે,કેન્દ્ર સરકાર લોન્ચ કરશે NMBA...

નશા મુક્ત ભારત અભિયાન હવે વધુ હાઈટેક બનશે,કેન્દ્ર સરકાર લોન્ચ કરશે NMBA એપ 2.0

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. સરકાર હવે ‘નશા મુક્ત ભારત અભિયાન’ (NMBA) ને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે ‘NMBA એપ 2.0’લોન્ચ કરવા જઈ રહી છે. આ નવી એપ દ્વારા નશા મુક્તિના પ્રયાસોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે. નોંધનીય છે કે, 15 ઓગસ્ટ 2020ના રોજ 272 સંવેદનશીલ જિલ્લાઓથી શરૂ થયેલું આ અભિયાન હવે દેશના તમામ જિલ્લાઓમાં અમલી છે. આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં 9.5 કરોડ યુવાનો અને 6.47 કરોડ મહિલાઓ સહિત કુલ 26 કરોડથી વધુ લોકોને નશાના સેવન વિરુદ્ધ જાગૃત કરવામાં આવ્યા છે. આ કાર્યમાં 28,000 થી વધુ માસ્ટર સ્વયંસેવકો રાત-દિવસ કાર્યરત છે.

નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાન્ડ રિડક્શનને મજબૂત કરવાના હેતુથી તૈયાર કરાયેલી આ એપમાં અનેક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. હવે સામાન્ય નાગરિકો પણ આ એપનો ઉપયોગ કરી શકશે. તેઓ એપ દ્વારા નશા મુક્તિ માટેના ‘ઈ-શપથ’ લઈ શકશે અને જાગૃતિ સામગ્રી (IEC) મેળવી શકશે. આ એપની સૌથી મહત્વની સુવિધા ‘નજીકનું નશા મુક્તિ કેન્દ્ર’ શોધવાની છે. વપરાશકર્તા પોતાના વિસ્તારની નજીક આવેલા સારવાર કેન્દ્રોની માહિતી સરળતાથી મેળવી શકશે, જેથી દર્દીને ત્વરિત મદદ મળી રહે. એપ દ્વારા ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ (GIAs) ને મળતા અનુદાનની સ્થિતિ રિયલ-ટાઇમમાં જાણી શકાશે. આનાથી ફંડના ઉપયોગમાં જવાબદારી અને પારદર્શિતા વધશે. રાજ્ય અને જિલ્લા સ્તરે ચાલી રહેલી પ્રવૃત્તિઓનું સીધું સંકલન આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવશે. લોકો પોતાના સૂચનો અને પ્રતિસાદ એપ પર આપી શકશે, જેથી અભિયાનમાં સતત સુધારો કરી શકાય.

અગાઉની એપ માત્ર અધિકૃત વપરાશકર્તાઓ માટે હતી, પરંતુ તેનું અપગ્રેડેડ વર્ઝન હવે જન-જન સુધી પહોંચવાનું માધ્યમ બનશે. આ એપમાં માનસ (MANAS) હેલ્પલાઇન અને ડિ-એડિક્શન હેલ્પલાઇન નંબરોની સીધી ઍક્સેસ પણ આપવામાં આવી છે, જે માનસિક સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સરકારની આ પહેલ દર્શાવે છે કે નશાની માંગ ઘટાડવા માટે હવે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ભારતને સંપૂર્ણપણે નશા મુક્ત બનાવવાનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય.

સંબંધિત લેખો

Most Popular