1. Home
  2. Dharma-ધર્મ
  3. સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વડાપ્રધાનના હસ્તે ટપાલ ટિકિટ અને રૂ. ૭૫ના મૂલ્યના સિક્કાનું અનાવરણ
સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વડાપ્રધાનના હસ્તે ટપાલ ટિકિટ અને રૂ. ૭૫ના મૂલ્યના સિક્કાનું અનાવરણ

સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વડાપ્રધાનના હસ્તે ટપાલ ટિકિટ અને રૂ. ૭૫ના મૂલ્યના સિક્કાનું અનાવરણ

0
Social Share

સોમનાથ, 11 મે, 2026 – સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વડાપ્રધાનના હસ્તે ટપાલ ટિકિટ અને રૂ. ૭૫ના મૂલ્યના સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું છે. તેઓ આજે સોમનાથ મંદિરના પુનનિર્માણના ૭૫ વર્ષની ઉજવણીના અવસર ‘સોમનાથ અમૃતપર્વ- ૨૦૨૬’માં આજે સહભાગી થયા હતા. આ અવસરે વડાપ્રધાનશ્રીન હસ્તે સ્મારક ડાક ટિકિટ અને ૭૫ રૂપિયાના સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સોમનાથ ખાતે કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે. આ તકે સદભાવના મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, સૃષ્ટિનું જેનાથી સર્જન થાય છે અને જેનામાં લય થાય છે, આજે આપણે તેના ધામના પુન:નિર્માણનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. હળાહળનું પાન કરીને જે નીલકંઠ કહેવાયાં, આજે આપણે તેમના શરણમાં સોમનાથ અમૃત  મહોત્સવ મનાવી રહ્યા છીએ તે ભગવાન સદાશિવની જ લીલા છે.

આ પણ વાંચોઃ સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 તિર્થના જળથી કર્યો કુંભાભિષેક, મહાદેવજીની પૂજા કરી

તેમણે કહ્યું હતું કે, ૭૫ વર્ષ પહેલા આજના દિવસે થયેલી સોમનાથની પુન: સ્થાપના એ સાધારણ અવસર ન હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો પણ ૧૯૫૧માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ હતો. સરદાર વલ્લભભાઈ પટેલે ૫૦૦થી વધુ રજવાડાઓને એક કરીને આધુનિક ભારતનું સ્વરૂપ આપ્યું અને સોમનાથ ધામનું પુન: નિર્માણ કરાવીને તેમણે દુનિયાને બતાવ્યું હતું કે, ભારત માત્ર આઝાદ જ નથી થયું પણ પ્રાચીન ગૌરવને પુન: હાંસલ કરવાના માર્ગે પણ આગળ વધી ચૂક્યું છે.

સોમનાથ માટે શહાદત વહોરનાર વીર હમીરસિંહ ગોહિલ અને વેગડા ભીલને યાદ કરી સોમનાથ મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર અહલ્યા બાઈ હોલકર, વડોદરાના ગાયકવાડ સહિતની વિભૂતિઓએ સોમનાથ દાદાની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું તેમ જણાવ્યું હતું. આજે વિશ્વ પ્રાકૃતિક જીવનશૈલી તરફ પાછું વળી રહ્યું છે ત્યારે, ભારતની પરંપરાઓમાં નદીઓ, પર્વતો અને વૃક્ષોને પવિત્રતાના ભાવથી જોવામાં આવે છે. પ્રકૃતિ પણ ઈશ્વર સ્વરૂપ છે તેમ જણાવીને પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણીનો પણ સંદેશ તેમણે આ તકે તેમણે આપ્યો હતો.

આ પણ વાંચોઃ RSSના ‘સંઘ શિક્ષા વર્ગ’ નો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

આ તકે સ્વાગત સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે.  સોમનાથ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી આ મંદિર વધુ તેજસ્વીતા સાથે ફરી ઊભું થયુ છે.

લોહપુરૂષ સરદાર પટેલ સાહેબે ભગવાન સોમનાથના આ પૂરાતન મંદિરની ભવ્યતા સાથે તેના પુન: નિર્માણનો કરેલો સંકલ્પ વર્ષ ૧૯૫૧ની ૧૧મી મેએ પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે ૭૫ વર્ષ થયા છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૧માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે દાયિત્વ સંભાળવાની સાથે જ સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનો સુવર્ણ જયંતી ઉત્સવ ઉજવવાની આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે. આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુન: નિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક બની રહ્યું છે.

આ પણ વાંચોઃ પ્રિ-મોન્સુન કામગીરીઃ શાહીબાગમાં કેચપીટમાં ફૂડ વેસ્ટ નાંખનાર દુકાન AMC દ્વારા સીલ

કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અનેક આક્રમણો છતાં આપણી અતૂટ આસ્થાનું પ્રતીક સોમનાથ આજે પણ અડીખમ ઊભું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી વિઝનથી આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મના પાયા પર ભારત વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્યના મંત્રીઓ સર્વ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી ડો.પ્રધ્યુમનભાઈ વાજા, શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ શ્રી જે.ડી.પરમાર, શ્રી પી.કે. લહેરી, શ્રી હર્ષવર્ધન નેઓટીયા, શ્રી વિષદભાઈ મફતલાલ, ધારાસભ્યો શ્રી ભગાભાઈ બારડ તથા શ્રી કાળુભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code