1. Home
  2. ગુજરાતી
  3. ઈરાન પરમાણુ કરાર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ઉગ્ર બોલાચાલી
ઈરાન પરમાણુ કરાર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ઉગ્ર બોલાચાલી

ઈરાન પરમાણુ કરાર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ઉગ્ર બોલાચાલી

0
Social Share

વોશિંગ્ટન, 21 મે 2026: ઈરાન પરમાણુ કરાર પર ચાલી રહેલી વાતચીત વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ભારે મડાગાંઠ સર્જાઈ હોવાના અહેવાલ છે. બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે ફોન પર થયેલી વાતચીત દરમિયાન ઉગ્ર ચર્ચા (હોટ ટોક) થઈ હતી, જેમાં બંનેએ એકબીજાને આકરા શબ્દો સંભળાવ્યા હતા. અહેવાલો અનુસાર, ટ્રમ્પે નેતન્યાહુને ઈરાન સાથે યુદ્ધ આગળ ન ધપાવવા માટે ફોન કર્યો હતો, જેના પર નેતન્યાહુ ખરાબ રીતે ભડકી ગયા હતા. બંને નેતાઓ વચ્ચે આ તણાવપૂર્ણ વાતચીત 30 મિનિટથી વધુ સમય સુધી ચાલી હતી.

વિદેશી મીડિયા એજન્સી ‘એક્સિયોસ’ના અહેવાલ મુજબ, વાતચીત દરમિયાન નેતન્યાહુએ કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, “ઈરાન પર બિલકુલ ભરોસો કરી શકાય તેમ નથી. તે જાણીજોઈને સમય બગાડી રહ્યું છે જેથી ફરીથી યુદ્ધ માટે સજ્જ થઈ શકે.” નેતન્યાહુએ ટ્રમ્પને એમ પણ કહ્યું કે, યુદ્ધ વારંવાર નથી થતા.

નેતન્યાહુની દલીલો સાંભળ્યા બાદ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં પરખાવ્યું હતું કે, અમેરિકા માટે મિડલ ઈસ્ટમાં માત્ર ઈઝરાયેલ જ એકમાત્ર પ્રાથમિકતા નથી. અમે અન્ય પાડોશી દેશો સાથે પણ વાતચીત કરી છે અને તમામ દેશો શાંતિ ઈચ્છે છે, તેથી અમે વાટાઘાટોને જ પ્રાથમિકતા આપીશું. ટ્રમ્પે ઉમેર્યું કે, “કૂટનીતિની પણ એક દુનિયા હોય છે અને તેમાં સમય લાગે છે.” વ્હાઇટ હાઉસના સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે ટ્રમ્પે નેતન્યાહુને જણાવ્યું હતું કે, કતાર અને અન્ય મધ્યસ્થ દેશો એક એવા ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છે, જેના પર અમેરિકા અને ઈરાન બંને હસ્તાક્ષર કરશે જેથી ઔપચારિક રીતે યુદ્ધનો અંત આવી શકે. આ વાતચીત બાદ ઈઝરાયેલના વડાપ્રધાન ભારે ગુસ્સામાં હોવાનું કહેવાય છે.

ઈરાનમાં ઈસ્લામિક સ્ટેટ વધુ શક્તિશાળી બને તો ઈઝરાયેલની મુશ્કેલીઓ વધવાની શકયતા

રાજકીય વિશ્લેષકોના મતે, ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુના યુદ્ધ તરફી વલણ પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર હોઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે જે મુદ્દાઓ પર કરારની વાતચીત ચાલી રહી છે, તેમાં ઈરાનની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. મિડલ ઈસ્ટના સમીકરણોમાં આ બાબત ઈઝરાયેલ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. જો ઈરાનમાં ઈસ્લામિક સ્ટેટ વધુ શક્તિશાળી બનશે, તો ભવિષ્યમાં તેલ-અવીવ (ઈઝરાયેલ)ની મુશ્કેલીઓ વધી જશે.

નેતન્યાહુ હાલ પોતાના દેશના સ્થાનિક રાજકારણમાં ખરાબ રીતે ફસાયા છે. ઈઝરાયેલના વિપક્ષી નેતાઓએ તેમની સામે મોરચો માંડ્યો છે. પૂર્વ વડાપ્રધાન નફ્તાલી બેનેટ યુદ્ધની રણનીતિને લઈને નેતન્યાહુની સતત આકરી આલોચના કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ઈરાન સામે મોરચો ખોલીને નેતન્યાહુ દેશમાં પોતાની ગુમાવેલી લોકપ્રિયતા ફરી મેળવવા માંગે છે. ઈઝરાયેલ પ્રશાસનને લાગે છે કે ઈરાનને નબળું પાડવા માટે આનાથી શ્રેષ્ઠ તક બીજી કોઈ હોઈ શકે નહીં. હાલમાં ઈરાનના ટોચના નેતાઓ કાં તો માર્યા ગયા છે અથવા જનતાથી વિમુખ થઈ ચૂક્યા છે, અને ત્યાંનું સૈન્ય પણ નબળી સ્થિતિમાં છે. નેતન્યાહુ આ પરિસ્થિતિનો મહત્તમ લાભ ઉઠાવવા ઈચ્છે છે.

આ પણ વાંચોઃ મેલોડી મેનિયામાં ભારતીય ટપાલ ખાતું પણ જોડાયું, કરી આ જાહેરાત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code