હેમંત પરમાર દ્વારા
કેદારનાથ હોનારતના ૧૩ વર્ષ થયા છે. જૂન ૧૬ અને ૧૭, ૨૦૧૩. ઉત્તરાખંડની એ કાળી રાત અને કમકમાટીભર્યો પ્રલય જેને યાદ કરીને આજે પણ લોકો ધ્રૂજી ઉઠે છે. આજે આ ભયાનક કેદારનાથ હોનારતને ૧૩ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, પરંતુ વહેતા સમય સાથે પણ તે ભયાનક પીડા, આક્રંદ અને સામાન્ય નાગરિકોનો આક્રોશ ઓછો થયો નથી.
આ કુદરતી આપત્તિમાં આશરે ૬,૦૦૦ લોકોના મૃત્યુ થયા અને ૪,૮૦૦થી વધુ લોકો આજે પણ ગુમ છે. સત્તાવાર અને બિનસત્તાવાર આંકડાઓ મેળવીએ તો કુલ ૧૧,૦૦૦ જેટલી નિર્દોષ જિંદગીઓ આ હોનારતમાં હોમાઈ ગઈ. પરંતુ આ કરુણાંતિકા માત્ર કુદરતનો પ્રકોપ નહોતી, તે તત્કાલીન શાસકોની ભારે નિષ્ક્રિયતા, અણઘડ વહીવટ અને માનવતાહીન રાજનીતિનું પણ જીવતું જાગતું ઉદાહરણ હતી.

ત્રણ દિવસ સુધી ઘસઘસાટ ઊંઘતી સરકાર, રામબાડા ગાયબ થયું ત્યારે જ આંખ ખુલી
આટલી મોટી માનવ સર્જિત અને કુદરતી હોનારત ઘટી ગઈ, હજારો શ્રદ્ધાળુઓ તણાઈ ગયા, પરંતુ તત્કાલીન કોંગ્રેસ સરકારને આ પ્રલયની ગંભીરતા સમજવામાં આખા ત્રણ દિવસ લાગી ગયા. સવાલ એ થાય છે કે શું તે સમયની કોંગ્રેસ સરકાર એટલી નકામી હતી કે આટલી મોટી તબાહી છતાં કોઈ સળવળાટ ન થયો? જ્યારે એક હેલિકોપ્ટરના પાયલોટે હવામાંથી જોયું કે આખું “રામબાડા” નકશામાંથી ગાયબ થઈ ગયું છે અને ભગીરથી નદી પોતાના મૂળ સ્થાનથી અડધો કિલોમીટર દૂર વહી રહી છે, ત્યારે જઈને એ વખતના દેહરાદૂન અને દિલ્હીના શાસકોની ઘસઘસાટ ઊંઘ ઉડી. શું કોઈ સંવેદનશીલ સરકારની કાર્યશૈલી આવી હોઈ શકે?
નેતાજી વિદેશ પ્રવાસે, તો રાહત કામગીરી કેવી રીતે શરૂ થાય? પ્રચારનો ગંદો ખેલ
જ્યારે ઉત્તરાખંડના પહાડો પર હજારો શ્રદ્ધાળુઓ ભૂખ, તરસ અને કડકડતી ઠંડીથી મરી રહ્યા હતા, ત્યારે દેશના કહેવાતા યુવા નેતા રાહુલ ગાંધી કથિત રીતે થાઈલેન્ડના પ્રવાસે મોજ કરી રહ્યા હતા. સવાલ એ ઊભો થાય છે કે શું દેશમાં આટલી મોટી રાષ્ટ્રીય આપત્તિ આવી હોય ત્યારે નેતાજીનો વિદેશ પ્રવાસ વધુ મહત્ત્વનો હતો? અને એથીય વધુ શરમજનક બાબત એ હતી કે જ્યાં સુધી રાહુલ ગાંધી પાછા ન ફરે ત્યાં સુધી પીડિતો માટેની રાહત સામગ્રીની ટ્રકોને ગ્રીન સિગ્નલ કોણ આપે? કોના ફોટા પાડીને અખબારોમાં વાહવાહી લૂંટવી? છેવટે, જ્યારે રાહુલ ગાંધી પાછા ફર્યા, ત્યારે રાહુલ અને સોનિયા ગાંધીના મોટા મોટા ફોટાવાળા ખાસ રાહત બોક્સ તૈયાર કરવામાં આવ્યા. તેમાં પારલે-જી બિસ્કિટ, લોટ અને સામાન્ય સામગ્રી મૂકીને પ્રચારનો મોટો તમાશો ઊભો કરાયો.
દિલ્હીથી નીકળેલી રાહત સામગ્રી રસ્તામાં જ ગાયબ, ગરીબોના મોંનો કોળિયો બજારમાં વેચાયો
રાજમાતા અને રાહુલ બાબાના ફોટા ચોંટાડેલી જે ટ્રકો દિલ્હીથી ઉત્તરાખંડના પીડિતો માટે રવાના થઈ હતી, તેનો અંજામ જોઈને હૃદય કંપી ઉઠશે. તેમાંથી મોટાભાગની ટ્રકો ક્યારેય કેદારનાથ કે આપત્તિગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચી જ નહીં. આ રાહત સામગ્રી રસ્તામાં જ રૂરકી અને હરિદ્વારના સ્થાનિક બજારોમાં સગેવગે થઈ ગઈ અને પીડિતોના હકનું અનાજ ખુલ્લા બજારોમાં વેચી દેવાયું. શું આપત્તિના સમયે પણ વચેટિયાઓ અને દલાલોની આ ભૂખ સંતોષવી જરૂરી હતી? જેમના હૃદયમાં પીડિતો માટે સહેજ પણ દયા નહોતી, તેઓ દેશ ચલાવવાના દાવા કરતા હતા.

હજારો કરોડનું નુકસાન અને મદદના નામે માત્ર ૧૦૦ કરોડની મજાક
આખા ઉત્તરાખંડમાં હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. લોકોના ઘર ઉજડી ગયા હતા, પરંતુ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે આટલી મોટી આપત્તિમાં માત્ર ૧૦૦ કરોડ રૂપિયાની નગણ્ય આર્થિક મદદ જાહેર કરી. અને આશ્ચર્યની વાત તો એ છે કે, તે ૧૦૦ કરોડમાંથી પણ માંડ ૨૦ થી ૨૫ કરોડ રૂપિયા જ પીડિતો સુધી પહોંચી શક્યા. બાકીના કરોડો રૂપિયા ભ્રષ્ટ વચેટિયાઓ અને સત્તાધારી પક્ષના દલાલો ઓળવી ગયા. શું આ પીડિતોની મજબૂરીની મજાક નહોતી?
ગુજરાતની મદદ પર રાજનીતિનું ગ્રહણ, જ્યારે હેલિકોપ્ટરને ઉતરવા પણ ન દીધા
તે સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પીડિતોની વહારે આવીને શોધખોળ અને બચાવ કામગીરી માટે તાત્કાલિક હેલિકોપ્ટરો મોકલ્યા હતા. પરંતુ કમનસીબ રાજનીતિ જુઓ, ઉત્તરાખંડની તત્કાલીન કોંગ્રેસ સરકારે પોતાના અહંકારને પોષવા માટે તે હેલિકોપ્ટરોને જમીન પર ઉતરવાની મંજૂરી જ ન આપી. પહાડોમાં સમડી, કાગડા અને કૂતરાઓ મૃતદેહોને ચૂંથતા રહ્યા, પરંતુ કોંગ્રેસ અને સોનિયા ગાંધીના હૃદયમાં પીડિતો માટે દયા ન જાગી. શું સત્તાનો અહંકાર દેશના નાગરિકોના જીવ કરતાં પણ મોટો છે?
શું ૧૧,૦૦૦ નાગરિકો દેશના નાગરિકો નહોતા? વોટબેંક ન હોવાની સજા મળી
આજે ૧૩ વર્ષ પછી પણ માણસોના નરકંકાલ અને હાડપિંજરો તે પહાડોમાંથી મળી આવે છે. માર્યા ગયેલાઓમાં હજારો હિન્દુ શ્રદ્ધાળુઓ ઉપરાંત સરકારી કર્મચારીઓ, બેંક કર્મચારીઓ અને સ્થાનિક ઘોડેસવારો પણ હતા. સવાલ એ થાય છે કે શું આ ૧૧,૦૦૦ લોકો દેશના નાગરિકો નહોતા? હા, કદાચ તેઓ શાસકો માટે માત્ર એક બિનમહત્ત્વનો આંકડો હતા, કારણ કે તેઓ તેમની વોટબેંક નહોતા. પરંતુ કુદરતનો ન્યાય અચૂક હોય છે. એ જ પીડિત પરિવારોની આંતરડી કકળી અને તેમની હાય આજે કોંગ્રેસને સત્તાની ખુરશીથી કોસો દૂર લઈ ગઈ છે. આ ઇતિહાસ ક્યારેય ભૂલાશે નહીં.

