મુંબઈમાં લોકોમાં ઝેરી કેપ્સ્યુલ વહેંચવાના કાવતરાનો પર્દાફાશ, 14900 ઝેરી કેપ્સ્યુલ સાથે યુવક ઝડપાયો
મુંબઈ, 27 જૂન 2026: મુંબઈમાં મહોરમના જુલૂસ દરમિયાન ઉંદર મારવાની ઝેરી દવા (ઝિંક ફોસ્ફાઇડ) થી ભરેલી કેપ્સ્યુલ્સ વહેંચવાનો એક સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે સમયસર કાર્યવાહી કરીને એક મોટી આતંકી કે ગુનાહિત આશંકા ધરાવતા કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે જુલૂસ દરમિયાન શંકાસ્પદ હાલતમાં કેપ્સ્યુલ વહેંચતા એક યુવકની ધરપકડ કરી છે અને તેની પાસેથી 14,900 જેટલી ઝેરી કેપ્સ્યુલ્સ જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીનું નામ ફૈયાઝ પ્રેમજી છે અને તે પુણેનો રહેવાસી છે. તે વ્યવસાયે પેઇન્ટ (કલર) નો બિઝનેસ કરે છે.
ડીસીપી જયંત મીણાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મહોરમના જુલૂસ દરમિયાન એક શંકાસ્પદ યુવક કોઈપણ મંજૂરી વિના કેપ્સ્યુલ્સ વહેંચી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને માહિતી મળી કે જુલૂસમાં સામેલ એક વ્યક્તિને અચાનક ઉલ્ટી અને પેટમાં સખત દુખાવાની ફરિયાદ થઈ છે. પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને તે શંકાસ્પદ યુવકને કસ્ટડીમાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી ફૈયાઝે કબૂલાત કરી છે કે, તેણે મહોરમના જુલૂસમાં સામેલ લોકોને નિશાન બનાવવા માટે આ આખું ષડયંત્ર રચ્યું હતું.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આરોપી મોટી તબાહી મચાવવાના ઈરાદા સાથે આવ્યો હતો. આરોપીએ કેપ્સ્યુલ્સ બનાવવા માટે બજારમાંથી 50 કિલો ‘ઝિંક ફોસ્ફાઇડ’ (ઉંદર મારવાનું અત્યંત ઘાતક ઝેર) ઓર્ડર કર્યું હતું. તે છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ગુપ્ત અડ્ડા પર દરેક કેપ્સ્યુલમાં 1-1 ગ્રામ ઝેર ભરીને આ જુલૂસને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ફૈયાઝ વર્ષ 2025 માં ઈરાન અને ઈરાકની મુલાકાતે પણ ગયો હતો, જેથી પોલીસ તેના વૈશ્વિક કનેક્શનની પણ તપાસ કરી રહી છે. આરોપીનો લક્ષ્યાંક આવી 30,000 ઝેરી કેપ્સ્યુલ્સ બનાવવાનો હતો, પરંતુ સદનસીબે તે મોટા પાયે આ કેપ્સ્યુલ્સ વહેંચી શકે તે પહેલા જ પોલીસે તેને 14,900 કેપ્સ્યુલ્સ સાથે દબોચી લીધો હતો.
-
તપાસમાં ચોંકાવનારા ખુલાસા થશે
ઉચ્ચ પોલીસ અધિકારી જયંત મીણાએ જણાવ્યું હતું કે, “મુંબઈ પોલીસે ભારે સતર્કતા દાખવીને એક બહુ મોટી માનવ સર્જિત દુર્ઘટનાને સમયસર રોકી દીધી છે. આરોપીનો મુખ્ય હેતુ મહોરમના પવિત્ર જુલૂસમાં ઝેર ફેલાવીને મોટા પાયે લોકોને શારીરિક નુકસાન પહોંચાડવાનો અને શાંતિ ડહોળવાનો હતો. અમે આ મામલામાં આતંકી એન્ગલ સહિત તમામ પાસાઓ પર સઘન તપાસ કરી રહ્યા છીએ કે આની પાછળ કોઈ મોટું સંગઠન કે માસ્ટરમાઇન્ડ સામેલ છે કે નહીં.” હાલમાં મુંબઈ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ઘટના બાદ જુલૂસ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરી દેવામાં આવી છે.


