અમદાવાદ, 16 ઓગસ્ટ, 2026 : Driver dies after crashing into a parked truck શહેરના નરોડા રિંગરોડ પર રણાસણ ટોલ નાકા પાસે પાર્કિંગ લાઈટ કે બેરીકેટિંગ વગર ઉભેલી એક ટ્રક સાથે પાછળથી આવી રહેલી આઇસર ટ્રક અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આઇસર ટ્રકચાલક 35 વર્ષીય સમીરકુમાર શેરસિંહ ચૌધરીને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, શહેરના નરોડા રિંગ રોડ પર રણાસણ ટોલ નાકા પાસે રોડ પર પાર્ક કરેલી ટ્રક પાછળ આયસર ટ્રક ધડાકા સાથે અથડાતા ટ્રકચાલકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મૃતક ટ્રકચાલક મૂળ હરિયાણાના રહેવાસી સમીરકુમાર ચૌધરી ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. પોતાની આઇસર ટ્રક લઈને રણાસણ ટોલ ટેક્સ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ડિવાઈડરની બાજુમાં રસ્તાની વચ્ચે કોઈપણ આડસ કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વગર એક ટ્રક પાર્ક કરેલી હોવાથી સમીરકુમારની ટ્રક તેમાં પાછળથી ઘુસી ગઈ હતી.
આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા સમીરકુમારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે દમ તોડ્યો હતો. આ બનાવ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે બેદરકારીપૂર્વક વાહન પાર્ક કરનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

