HomeAgency Newsઉમર ખાલિદ, શરજીલ ઈમામને ફરી લપડાક, જામીન અરજી નામંજૂર

ઉમર ખાલિદ, શરજીલ ઈમામને ફરી લપડાક, જામીન અરજી નામંજૂર

નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને ફરીથી કાનૂની લપડાક પડી છે. બંનેની જામીન અરજી અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી છે.
પ્રારંભિક અહેવાલ અનુસાર, દિલ્હી તોફાન કેસના આરોપીઓ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને જામીન આપવાનો અદાલતે ઈનકાર કરી દીધો છે.

કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી ફગાવી દીધી છે. બંને આરોપીઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અધિનિયમ એટલે કે Unlawful Activities (Prevention) Act (UAPA) હેઠળ નોંધાયેલા કેસમાં નિયમિત જામીન મેળવવા માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

આ કેસ દિલ્હી રમખાણ કાવતરાના કેસ, એટલે કે FIR 59/2020 સાથે જોડાયેલો છે, જેમાં ફેબ્રુઆરી 2020 માં ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસા પાછળના કથિત મોટા કાવતરાની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલનો આક્ષેપ છે કે CAA વિરોધી પ્રદર્શનોની આડમાં આયોજનબદ્ધ રીતે કોમી હિંસા ભડકાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ જ આધાર પર UAPA અને IPCની કેટલીય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

એડિશનલ સેશન્સ જજ સમીર બાજપાઈએ UAPA હેઠળ નોંધાયેલા આ કેસમાં બંને આરોપીઓને રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. સુનાવણી દરમિયાન ઉમર ખાલિદના વકીલે જણાવ્યું કે તેમનો અસીલ લાંબા સમયથી કસ્ટડીમાં છે.

તેમની વિરુદ્ધ હિંસાના કોઈ સીધા પુરાવા નથી. બીજી તરફ, શરજીલ ઈમામના વકીલે દલીલ કરી હતી કે તેઓ આશરે 6 વર્ષથી જેલમાં છે. આ કેસના મુકદ્દમાની સુનાવણીમાં હજુ સુધી કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. તેમણે કોર્ટને વિનંતી કરી કે જ્યારે અન્ય આરોપીઓને રાહત મળી ચૂકી છે, ત્યારે તેમને પણ જામીન મળવા જોઈએ.

સરકારી વકીલે બંનેના જામીનનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, સાક્ષીઓના નિવેદનો નોંધવામાં ન આવે અથવા નક્કી કરેલી સમયમર્યાદા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને જામીન આપી શકાય નહીં.

પોલીસે જણાવ્યું કે દિલ્હી રમખાણના કાવતરાના આરોપો અત્યંત ગંભીર છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો આપતા બંનેની અરજીઓ ફગાવી દીધી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular