મુંબઈ, 20 જુલાઈ 2026: ‘રેહના હૈ તેરે દિલ મેં’, ‘રંગ દે બસંતી’ અને ‘3 ઇડિયટ્સ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોથી ઘર-ઘરમાં જાણીતા બનેલા બોલીવુડ અને સાઉથના સુપરસ્ટાર આર. માધવન અવારનવાર તેમની દમદાર એક્ટિંગના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં માધવને પોતાની જિંદગી અને કારકિર્દીના સૌથી મુશ્કેલ તબક્કા વિશે મોટો ખુલાસો કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન 54 વર્ષીય માધવને જણાવ્યું હતું કે, “જ્યારે હું 40 વર્ષનો હતો ત્યારે સિનેમા પ્રત્યે મારો ઉત્સાહ અને ઝૂનૂન સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યો હતો. હું માત્ર એક મશીનની જેમ કામ કરી રહ્યો હતો. હું સવારે ઊઠીને સેટ પર જવા કે નવી વાર્તા વિચારવાનો રોમાંચ ગુમાવી બેઠો હતો. મને તો ખ્યાલ પણ નહોતો, પણ મારી પત્ની સરિતાએ મારી અંદર થઈ રહેલા આ ફેરફારને સૌથી પહેલાં ઓળખ્યો અને મને ટોક્યો હતો.”
બ્રાન્ડ્સ અને ઈવેન્ટ્સથી અઢળક કમાણી, નિષ્ફળતાનો ડર જતો રહ્યો હતો
માધવને વધુમાં ઉમેર્યું હતું કે, “તે સમયે મારી ફિલ્મો ઠીક-ઠાક ચાલી રહી હતી. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને પબ્લિક ઈવેન્ટ્સમાંથી એટલી કમાણી થઈ જતી હતી કે ઘર ચલાવવા માટે મારે ફિલ્મો પર નિર્ભર રહેવું પડતું નહોતું. પૈસાના કારણે મારામાં એક અલગ જ પ્રકારનો ઓવર-કોન્ફિડન્સ આવી ગયો હતો અને હું એવા કમ્ફર્ટ ઝોનમાં જતો રહ્યો હતો જે મને અંદરથી ખતમ કરી રહ્યો હતો. પૈસાએ મારામાંથી નિષ્ફળતાનો ડર જ ખતમ કરી નાખ્યો હતો અને ડર વગર એક્ટિંગ ભૂખી મરી ગઈ હતી.”
ઈરાદાપૂર્વક 4 વર્ષનો બ્રેક લીધો અને જાતે નુકસાન સહન કર્યું
આ કમ્ફર્ટ ઝોનને તોડવા માટે માધવને 2011 થી 2015 સુધી એટલે કે પૂરા 4 વર્ષ માટે એકટિંગમાંથી બ્રેક લઈ લીધો હતો. તેમણે વિજ્ઞાપનો અને ઈવેન્ટ્સમાંથી આવતા પૈસાના રસ્તા પણ બંધ કરી દીધા જેથી તેમનામાં અસુરક્ષા અને ડરનો ભાવ પાછો આવી શકે. આ 4 વર્ષ તેમના જીવનનો સૌથી મોટો રિયાલિટી ચેક હતો, જેણે તેમને ફરી એકવાર જમીન પર લાવીને કલાકાર તરીકે જીવંત કર્યા. ઉલ્લેખનીય છે કે, માધવન છેલ્લે રણવીર સિંહ સાથે ‘ધુરંધર: ધ રિવન્જ’માં જોવા મળ્યા હતા અને તેમની આગામી ફિલ્મોમાં ‘જીડીએન’, ‘અધિરષ્ટસાલી’ અને ‘સર્કલ’ સામેલ છે.








