નવી દિલ્હી, 27 જુલાઈ 2026: દેશભરના યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા લાવવામાં આવેલા ‘લોક પરીક્ષા (અનુચિત સાધનો અટકાયત) સંશોધન વિધેયક, 2026’ ને લઈને રાજકારણ તેજ બન્યું છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન જિજીજુએ લોકસભામાં વિપક્ષને આ મહત્વપૂર્ણ બિલ પર રચનાત્મક ચર્ચામાં ભાગ લેવા માટે ભારપૂર્વક અપીલ કરી છે.
સંસદીય કાર્ય મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સરકાર પરીક્ષા પ્રણાલીને સંપૂર્ણપણે પારદર્શક અને દોષમુક્ત બનાવવા માટે કટિબદ્ધ છે. પરીક્ષા સુધારણા માટે ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને એવી મજબૂત વ્યવસ્થા ઊભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે જેથી ભવિષ્યમાં પેપર લીક કે ગેરરીતિ જેવી ઘટનાઓને કડક રીતે ડામી શકાય. આ સંશોધન વિધેયકમાં પેપર લીક અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો માટે કડક અને સમયબદ્ધ સજાની જોગવાઈ કરવામાં આવી છે.
કિરેન રિજીજુએ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોની ટીકા કરતા કહ્યું કે જ્યારે સમગ્ર દેશના વિદ્યાર્થીઓની ચિંતાઓ સાથે જોડાયેલું આટલું મોટું અને સંવેદનશીલ બિલ સંસદમાં રજૂ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ચર્ચા કરવાને બદલે માત્ર હોબાળો મચાવવો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સંસદ કરતા ઉત્તમ મંચ લોકહિતના મુદ્દાઓ પર ચર્ચા માટે બીજો કોઈ હોઈ શકે નહીં. જો આટલા મોટા સુધારાઓ સામે પણ ગૃહમાં સાર્થક ચર્ચા ન થવા દેવાય, તો દેશના યુવાનોમાં ખોટો સંદેશ જશે.

