Homeગુજરાતીદેશ-વિદેશભારત કોઈનો વિકલ્પ નથી, પણ ભરોસાપાત્ર ભાગીદાર છેઃ પિયુષ ગોયલ

ભારત કોઈનો વિકલ્પ નથી, પણ ભરોસાપાત્ર ભાગીદાર છેઃ પિયુષ ગોયલ

નવી દિલ્હી, 25 ઓગસ્ટ 2026: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ હાલમાં જાપાનના પ્રવાસે છે, જ્યાં તેમણે જાપાનીઝ ઉદ્યોગ જગત સમક્ષ ભારતનો પક્ષ અત્યંત મજબૂત અને બેધડક અંદાજમાં રજૂ કર્યો છે. સોમવારના રોજ યોજાયેલી વિવિધ બેઠકોમાં ગોયલે જાપાની રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટેનું આહ્વાન તો કર્યું જ, પરંતુ સાથે-સાથે તેમની ફરિયાદો પર સવાલો પણ ઉઠાવ્યા અને સ્થળ પર જ તેના ઉકેલ લાવીને ‘નવા ભારત’ની મજબૂત છબી રજૂ કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત પોતાના હિતો અને શરતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે.

ચીનનું નામ લીધા વગર પિયુષ ગોયલે જાપાનની સંવેદનશીલ નસ પર પ્રહાર કરતા ડેટા સેન્ટર અને સુરક્ષા અંગે મોટી વાત કહી હતી. તેમણે ભારતને ડેટા સેન્ટર માટે સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર સ્થળ ગણાવતા કહ્યું કે, ભારતમાં તમારા ડેટા ક્યારેય ચોરાશે નહીં અને બૌદ્ધિક સંપદા સાથે કોઈ છેડછાડ નહીં થાય. ગોયલે કટાક્ષ કરતા જણાવ્યું કે, “તમને એ વાતની ચિંતા નહીં કરવી પડે કે ભારતમાં સફળ કારોબારી બન્યા પછી એક દિવસ અચાનક ગાયબ થઈ જઈને કોઈ જાપાની યુનિવર્સિટીમાં પ્રોફેસર બનીને સામે આવી જશો. ભારતમાં એવું જોખમ નથી.”

તેમણે જાપાની કંપનીઓની વ્યૂહરચના પર પણ સવાલ ઉઠાવ્યો જેમાં પહેલા ચીન અને પછી દક્ષિણ-પૂર્વ એશિયામાં વિસ્તાર કરવામાં આવે છે. ગોયલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત કોઈ ‘પ્લસ વન’ દેશ નથી, પરંતુ ભારત પોતાની કાબેલિયતના દમે ઊભો રહેલો એક સ્વતંત્ર અને વિશ્વસનીય ભાગીદાર છે. અમે કોઈની ટેકનિક ચોરતા નથી કે નકલ કરીને બજારમાં પ્રોડક્ટ્સ લાવતા નથી.

  • ફરિયાદો સાંભળીને સ્થળ પર ઉકેલ લવાયો

પિયુષ ગોયલનું વલણ આક્રમકની સાથે કામ ઝડપથી પતાવવાનું પણ હતું. બેઠક દરમિયાન જ્યારે ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ (વેપાર સુગમતા) નો મુદ્દો આવ્યો, ત્યારે ગોયલે તાજેતરની બે ઘટનાઓ ટાંકી હતી. તેમણે જણાવ્યું કે સવારે જ તેમની બે મોટી કંપનીઓ સાથે બેઠક થઈ હતી, જેમાં એક કંપની સેમિકન્ડક્ટર ઉપકરણો અને બીજી ઓટો પાર્ટ્સ બનાવવાનું વિચારે છે. બંનેની કેટલીક અડચણો હતી, જે તેમણે બેઠકની વચ્ચે જ બે ફોન કૉલ કરીને ઉકેલી નાખી. તેમણે જાપાની રોકાણકારોને ખાતરી આપી કે આગામી બે મહિનામાં ભારત સરકાર પોતાના નિયમોમાં સંશોધન કરશે જેથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કોઈ મુશ્કેલી ન નડે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો કોઈની માંગ એવી હોય કે અન્ય દેશમાંથી સસ્તી અને અનુચિત કિંમતનો માલ ભારતમાં ઠાલવવા દેવામાં આવે, તો સરકાર તેમાં ક્યારેય માફી નહીં માંગે.

  • ઇસ્પાત (સ્ટીલ) મુદ્દે જાપાની ઉદ્યોગને જ ઘેર્યો

FICCI અને જાપાની ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં ગોયલે જાપાની સ્ટીલ ઉદ્યોગ દ્વારા સુરક્ષા શુલ્કમાં છૂટ આપવાની માંગ પર આકરા સવાલો કર્યા હતા. તેમણે આંકડા રજૂ કરતા કહ્યું કે અમેરિકા, યુરોપિયન યુનિયન અને યુકેએ 50ટકા શુલ્ક લગાવ્યો છે, જ્યારે ભારતે માત્ર 12 ટકા જ લગાવ્યો છે. ગોયલે જાપાની કંપનીઓને દર્પણ બતાવતા કહ્યું કે, “હું સાત વર્ષથી જાપાની ઉદ્યોગને અપીલ કરું છું કે તમે ભારતમાંથી સ્ટીલ ખરીદો જે તમને વધુ ફાયદો કરાવશે, છતાં તમે ખરીદતા નથી. તો પછી તમે કેવી રીતે અપેક્ષા રાખો છો કે અમે તમને બચાવીએ?” તેમણે ઉમેર્યું કે ડમ્પિંગ વિરોધી શુલ્કએ ડબ્લ્યુટીઓના નિયમો હેઠળ ચાલતી ન્યાયિક પ્રક્રિયા છે, જેમાં મંત્રાલય સીધો હસ્તક્ષેપ કરી શકે નહીં.

  • ભારતની ટેબલ પર મોટી ઓફર્સ અને સેક્ટર્સ

સેમિકન્ડક્ટર: સેમિકોન 2.0 ને મંજૂરી મળી ચૂકી છે જેનું બજેટ 1.27 લાખ કરોડ રૂપિયા છે. આગામી દોઢ વર્ષમાં આ ક્ષેત્રમાં 50 અબજ ડોલર એકત્ર કરવાનું લક્ષ્ય છે.
ઊર્જા : 2014માં ભારતની સોલાર ક્ષમતા માત્ર 2 ગીગાવોટ હતી, જે વધીને હવે 160 ગીગાવોટથી વધુ થઈ ગઈ છે અને આગામી 3 વર્ષમાં તેને 250 ગીગાવોટ સુધી લઈ જવાનું આયોજન છે.
ડેટા સેન્ટર: ભારત 7 થી 8 યુએસ સેન્ટ પ્રતિ યુનિટના દરે 24 કલાક સ્વચ્છ વીજળી પૂરી પાડી શકે છે. વૈશ્વિક સેવાઓ માટે ડેટા સેન્ટર બનાવતી કંપનીઓને 2047 સુધી ટેક્સ છૂટ અપાઈ છે.
વ્યાપાર માહોલ: છેલ્લા એક દાયકામાં આશરે 1500 જૂના કાનૂનો નાબૂદ કરાયા છે અને 29 શ્રમ કાનૂનોને ચાર સંહિતાઓમાં સમિટવામાં આવ્યા છે. ભારતનો વિકાસ દર ગત નાણાકીય વર્ષમાં 7.7 ટકા રહ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular