Homeગુજરાતીદેશ-વિદેશનેપાળ પૂર: ત્રિશૂલીમાં ફરી ખાલી કરાવાયા વિસ્તારો, તમિલનાડુના 21 પ્રવાસીઓ કાઠમાંડુ પહોંચ્યાં

નેપાળ પૂર: ત્રિશૂલીમાં ફરી ખાલી કરાવાયા વિસ્તારો, તમિલનાડુના 21 પ્રવાસીઓ કાઠમાંડુ પહોંચ્યાં

કાઠમાંડુ, 28 ઓગસ્ટ 2026: નેપાળમાં તિબેટ સરહદે આવેલા ત્રિશૂલી અને રસુવા ક્ષેત્રમાં અચાનક આવેલા વિનાશક પૂર બાદ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પૂરના વધતા જોખમને ધ્યાનમાં રાખીને ત્રિશૂલી વિસ્તારને ફરીથી ખાલી કરાવવામાં આવી રહ્યો છે. આ સાથે જ ત્રિશૂલીથી રસુવા સુધીના માર્ગ નિર્માણના કામો અસ્થાયી રૂપે રોકી દેવાયા છે અને તમામ જેસીબી તથા ભારે મશીનરીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડી લેવામાં આવી છે.

રસુવા જિલ્લામાં એક હાઈડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગ (ટનલ)માં પૂરના પાણી ભરાવાથી ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે નેપાળી સેનાએ બચાવ અભિયાન વધુ તેજ કર્યું છે. અત્યંત જોખમી અને દુર્ગમ પરિસ્થિતિઓ વચ્ચે સેનાની બચાવ ટીમે સુરંગમાંથી બે કર્મચારીઓને સુરક્ષિત બહાર કાવામાં સફળતા મેળવી છે. હાલ સુરંગની અંદર અન્ય કેટલા લોકો ફસાયા છે તેની ચોક્કસ માહિતી મેળવવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

દરમિયાન વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સુરક્ષિત બચાવી લેવાયેલા તમિલનાડુના 21 લોકો કાઠમાંડુ પહોંચી ગયા છે. ભારતમાં પરત ફરતા પહેલા નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવે તમામ નાગરિકોની મુલાકાત લઈને તેમનું કુશળક્ષેમ પૂછ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત 26 ઓગસ્ટે તિબેટ-નેપાળ સરહદે અચાનક આવેલા આ પૂરના કારણે ભારે તબાહી મચી છે, જેમાં પૂરના પ્રચંડ પ્રવાહ સાથે કાંપ અને મોટા પથ્થરો ભોટે કોશી અને ત્રિશૂલી નદીઓમાં ફેલાઈ ગયા હતા.

  • તેલંગાણાના 22 લોકો ગુમ, યુનિસેફની ટીમ નુવાકોટ પહોંચી

બીજી તરફ, તેલંગાણા સરકાર દ્વારા નેપાળ પૂર બાદ રાજ્યના 22 જેટલા લાપતા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. નવી દિલ્હી સ્થિત તેલંગાણા ભવનમાં શરૂ કરાયેલી હેલ્પલાઇન પર 80 થી વધુ કોલ્સ આવ્યા છે, જેમાંથી 23 લોકો સાથે જોડાયેલા 20 મામલાઓની ઓળખ થઈ છે. જેમાં 6 લોકો તેલંગાણાના અને 17 તેલંગાણા મૂળના એનઆરઆઈ છે. તેમજ, જમીની હકીકત અને માનવીય સ્થિતિનો તાગ મેળવવા માટે યુનિસેફના પ્રતિનિધિઓની ટીમ પણ નુવાકોટ પહોંચી ગઈ છે અને સ્થાનિક સરકાર સાથે મળીને રાહત કાર્યોમાં સહયોગ આપી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular