કાઠમંડુ, 28 ઓગસ્ટ, 2026 – નેપાળમાં મહાતબાહીના નવા-નવા વીડિયો સામે આવી રહ્યા છે, રેસ્ક્યુ ઓપરેશન પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ દરમિયાન એક અત્યંત શરમજનક અને આઘાતજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નેપાળ પોલીસ દ્વારા જારી આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિનાશક પૂરમાં તણાઈને આવેલા મૃતદેહોમાંથી કેટલાક લોકો ઘરેણાં ખેંચી રહ્યા છે. વીડિયો ફૂટેજમાં 2 યુવકોને ભોટેકોશી નદીના કિનારે પૂર પીડિતના શવમાંથી બુટ્ટીઓ ચોરતા જોવામાં આવ્યા છે.
નેપાળ પોલીસે જારી કરેલી આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો. મહિલાના મૃતદેહમાંથી ઘરેણાં ખેંચતા યુવકોનો વીડિયો વાયરલ થયા બાદ નેપાળ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. નેપાળ પોલીસે ચિતવનમાં 25 વર્ષીય મદન ગુરુંગ અને 38 વર્ષીય ઉમેશ ચૌધરીની ધરપકડ કરી લીધી છે.
શું દેખાય છે વીડિયોમાં?
વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે નેપાળમાં આવેલી તબાહી બાદ એક મહિલાનો મૃતદેહ તણાઈને આવ્યો છે. વીડિયોમાં 2 યુવકો શવ પાસે છે. આ બંને લાકડાના પાટિયા અને મહિલાના વાળ પકડીને મૃતદેહને પાણીમાંથી બહાર ખેંચી રહ્યા છે. ત્યારબાદ તેઓ મહિલાના બંને કાનમાંથી બુટ્ટીઓ કાઢીને અલગ મૂકી દે છે, જ્યારે આસપાસ ઊભેલા ઘણા લોકો આનો વીડિયો બનાવતા દેખાઈ રહ્યા છે.
વીડિયો વાયરલ થયા બાદ તરત જ એક્શન લેવામાં આવી છે. નેપાળ પોલીસે 41 સેકન્ડનો આ વીડિયો શેર કરીને જણાવ્યું કે મૃત મહિલાના કાનમાંથી બુટ્ટીઓ ચોરવાના આરોપમાં 2 યુવકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
मृतकको कानको मुन्द्रा चोरी गर्ने व्यक्तिहरु नियन्त्रणमा लिएको सम्बन्धमा । pic.twitter.com/pnPlnQPn9j
— Nepal Police (@NepalPoliceHQ) August 27, 2026
મહાવિનાશક પૂરની અસરો
નેપાળમાં જીવ ગુમાવનારાઓનો આંકડો પણ વધતો જઈ રહ્યો છે. અત્યાર સુધી 469 લોકોના અવસાન થઈ ચૂક્યા છે, 1500થી વધુ લોકો લાપતા છે. આમાં 290 ભારતીય નાગરિકો પણ સામેલ છે જેમનો અત્યાર સુધી સંપર્ક થઈ શક્યો નથી. પોલીસના જણાવ્યા અનુસાર પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધી 466 ઈજાગ્રસ્તોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે. ત્રિશૂલી હાઈડ્રોપાવર પ્લાન્ટની સુરંગની અંદર ફસાયેલા લોકોને નેપાળી સેનાના જવાનોએ રેસ્ક્યુ કર્યા. સમગ્ર વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને આ દરમિયાન મૃતદેહમાંથી આ રીતે ઘરેણાં ખેંચવાની અમાનવીય વૃત્તિએ નેપાળમાં આક્રોશ પેદા કરી દીધો છે.
દરમિયાન છેલ્લા અહેવાલ અનુસાર હવે નેપાળ પર નવું જોખમ તોળાઈ રહ્યું છે. તિબેટમાં તળાવ ફાટ્યા પછી જ નેપાળમાં તબાહી આવી હતી અને હવે તિબેટમાં બીજું તળાવ ફાટ્યું છે. એવામાં રેસ્ક્યુ ઓપરેશન રોકી દેવામાં આવ્યું છે અને તમામ લોકોને નદીથી એક કિલોમીટર દૂર જવાની સલાહ આપવામાં આવી છે.


