કાઠમંડુ, 01 સપ્ટેમ્બર 2026: નેપાળમાં વિનાશક પૂર આવ્યાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં, વિનાશના ભયાનક દ્રશ્યો હજુ પણ યથાવત છે. વિખરાયેલા કાટમાળ વચ્ચે જીવિત બચેલા લોકોને શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અંદાજે ચાર હજાર લોકો હજુ પણ ગુમ છે.
બચાવ એજન્સીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આશરે 939 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. આ દરમિયાન, મંગળવારે નુવાકોટ જિલ્લામાં બચાવ કામગીરી દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.
એક નેપાળી સમાચાર વેબસાઇટ અનુસાર, નુવાકોટ જિલ્લાના પૂરગ્રસ્ત ભોટે કોશી વિસ્તારમાં આવેલા બિદુર મ્યુનિસિપાલિટી-10 (વેત્રાવતી)માં એક મકાનના કાટમાળમાંથી 24 મૃતદેહો મળી આવ્યા છે. નુવાકોટના એસપી બિપિન રેગમીએ જણાવ્યું હતું કે મળી આવેલા મૃતદેહોમાં 13 મહિલાઓ, 11 પુરુષો અને એક બાળકનો સમાવેશ થાય છે.
મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ નથી અને તેમને પોસ્ટમોર્ટમ માટે કાઠમંડુની ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
આચાર્યની સમજદારીએ વિદ્યાર્થીઓના જીવ બચાવ્યા
ત્રિશુલી માધ્યમિક શાળાના આચાર્ય રાજેન્દ્ર દાવડીના સમયસરના નિર્ણયે અંદાજે 900 વિદ્યાર્થીઓના જીવ બચાવ્યા. પૂરની ચેતવણી મળતાં જ આચાર્ય દાવડીએ તાત્કાલિક શાળા ખાલી કરાવી અને ત્યાં હાજર તમામ વિદ્યાર્થીઓને નજીકની એક સુરક્ષિત ટેકરી પર ખસેડ્યા.
ત્યારબાદ થોડા જ સમયમાં, પાણી, કાદવ અને પથ્થરોનો એક પ્રચંડ પ્રવાહ શાળાની આખી ઇમારતને વહાવી ગયો. આ ઘટના સમયે, શાળાના કુલ 1643 વિદ્યાર્થીઓમાંથી આશરે 900 વિદ્યાર્થીઓ પરિસરમાં હાજર હતા. દુર્ભાગ્યે, સ્ટાફના બે સભ્યો સમયસર બહાર નીકળી શક્યા ન હતા અને હજુ પણ ગુમ છે.
આ દુર્ઘટનાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં, ગુમ થયેલા લોકોની સંખ્યા હજુ પણ હજારોમાં છે. કુલ મળીને લગભગ 4000 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. માત્ર રસુવા જિલ્લાના ઉત્તરગયા ગામમાં જ આશરે 350 વિદ્યાર્થીઓનો કોઈ પત્તો લાગ્યો નથી.


