Homeગુજરાતીદેશ-વિદેશમણિપુર: ભારત-મ્યાનમાર સરહદ પાસેથી પ્રતિબંધિત સંગઠનોના 4 ઉગ્રવાદીઓ ઝડપાયા

મણિપુર: ભારત-મ્યાનમાર સરહદ પાસેથી પ્રતિબંધિત સંગઠનોના 4 ઉગ્રવાદીઓ ઝડપાયા

ઇમ્ફાલ, 3 સપ્ટેમ્બર 2026: મણિપુરના ચંદેલ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ નજીક સુરક્ષા દળોએ એક મોટી સફળતા હાંસલ કરતા પ્રતિબંધિત સંગઠનોના ચાર કુખ્યાત ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી સંયુક્ત ટીમે સમયસૂચકતા વાપરીને પાર પાડી હતી, જેના કારણે ઉગ્રવાદીઓનો સરહદ પાર કરીને ભાગી જવાનો મનસૂબો નિષ્ફળ ગયો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અસમ રાઇફલ્સ અને મણિપુર પોલીસની સંયુક્ત ટીમે ભારત-મ્યાનમાર બોર્ડર પિલર નંબર ૫૯ પાસે એક વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું. સઘન તપાસ અને ઘેરાબંધી દરમિયાન ચાર શંકાસ્પદ ઈસમો ઝડપાઈ આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, પકડાયેલા ચાર આરોપીઓ પૈકી ત્રણ જણા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ – UNLFના સભ્યો છે, જ્યારે ચોથો શખ્સ પ્રેયાકનો સક્રિય કેડર છે.

સુરક્ષા દળોના જણાવ્યા મુજબ, આ ચારેય ઉગ્રવાદીઓ ગેરકાયદેસર રીતે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ થયા હતા અને કોઈ ગુનાહિત કે શંકાસ્પદ ગતિવિધિને અંજામ આપીને પરત મ્યાનમારની સરહદ તરફ ભાગી છૂટવાના પ્રયાસમાં હતા. જોકે, સુરક્ષા દળોની સતર્કતાના કારણે તેમની આ ચાલ સફળ થઈ શકી નહોતી. ઝડપાયેલા ઉગ્રવાદીઓની તલાશી લેતા તેમની પાસેથી મ્યાનમારનું વિદેશી ચલણ (મ્યાનમારી ક્યાત) પણ મોટા પ્રમાણમાં મળી આવ્યું છે, જે દર્શાવે છે કે તેઓ સરહદ પારથી ઓપરેશન ચલાવી રહ્યા હતા.

સુરક્ષા દળો દ્વારા તમામ આરોપીઓને આગળની કાનૂની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સુપરત કરવામાં આવ્યા છે. પોલીસ આ માનેલા ઉગ્રવાદીઓના નેટવર્ક અને તેમના અન્ય સાથીદારો વિશે વધુ માહિતી મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular