લખનૌ, 5 સપ્ટેમ્બર 2026: ઉત્તર પ્રદેશના સહારનપુર કલેક્ટરેટ પરિસરમાં આવેલી મસ્જિદને ભારે પોલીસ સુરક્ષા વચ્ચે બુલડોઝર દ્વારા તોડી પાડવાની ઘટના સામે આવી છે. જિલ્લા અદાલતના આદેશ બાદ આ ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સુપ્રિમો અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ સોશિયલ મીડિયા પર આક્રમક પ્રતિક્રિયા આપી છે.
માયાવતીએ સોશિયલ મીડિયા ‘એક્સ’ પર પોસ્ટ કરતા લખ્યું કે, સહારનપુરની મસ્જિદ સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં અવારનવાર મસ્જિદોને ગેરકાયદેસર ગણાવીને તેને તોડી પાડવાનું જે સરકારી અભિયાન ચાલી રહ્યું છે તે યોગ્ય નથી. સરકાર આવી નકારાત્મક પરિસ્થિતિઓથી બચવા માટે આના પર તુરંત રોક લગાવવી જોઈએ અને તેના ઉકેલ માટે અન્ય ઉપાયો શોધવા જોઈએ.
તેમણે વધુમાં લખ્યું કે, એક બંધારણીય ધર્મનિરપેક્ષ સરકાર દ્વારા તમામ ધર્મોના લોકો અને તેમના ધાર્મિક સ્થળોનું સમાન આદર-સન્માન તથા તેમની સુરક્ષા કરવાનું ઉત્તરદાયિત્વ બને છે. ઇસ્લામ ધર્મમાં મસ્જિદો દૈનિક ઇબાદત અને નમાઝ અદા કરવાનું મુખ્ય અંગ છે, જેને ધ્યાનમાં રાખીને ભારતીય પરંપરા અનુસાર સન્માન આપવું દેશ અને વ્યાપક જનહિતમાં જરૂરી છે.
પૂર્વ મુખ્યમંત્રીએ કાયદાના પાલન અંગે ટાંક્યું કે, નિયમ-કાનૂનનું યોગ્ય પાલન કર્યા વગર કોઈપણ આરોપીનું મકાન તોડીને તેના આખા પરિવારને સામૂહિક સજા આપીને બેઘર કરી દેવાની કાર્યવાહીથી લોકો ખૂબ જ ચિંતિત છે. આજના સમયમાં બસપા સરકારના સમય જેવું ‘કાનૂન દ્વારા કાનૂનનું રાજ’ હોવું જરૂરી છે. તેમણે સરકારની સાથે-સાથે ન્યાયાલયને પણ આ બાબતે યોગ્ય ધ્યાન આપવાની અપીલ કરી છે અને સાથે જ જનતાને શાંતિ તથા સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા અપીલ કરી છે.


