ન્યુયોર્ક, 5 સપ્ટેમ્બર 2026: દુનિયાના નકશામાં દેશો અને મહાદ્વીપોનો આકાર ઘણીવાર વાસ્તવિક સ્થિતિ કરતાં અલગ અને ખોટો દેખાતો હોય છે. આ ખામીને સુધારવાની દિશામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. મહાસભાએ 164-1 ના વોટથી ‘કરેક્ટ ધ મેપ’ પ્રસ્તાવને મંજૂર કરી દીધો છે. આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ એવા નકશાને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં વિશ્વના અલગ-અલગ વિસ્તારોનું ક્ષેત્રફળ વધુ સચોટ રીતે જોઈ શકાય.
ભારતે આ પ્રસ્તાવની તરફેણમાં વોટ કર્યો છે, પરંતુ ભારતીય રાજદ્વારી રઘુ પુરીએ સ્પષ્ટ કર્યું કે, ભારતે કોઈ એક ચોક્કસ નકશાને સાચો માનીને સમર્થન નથી આપ્યું. ભારતે કહ્યું કે, કેટલાક જૂના નકશામાં દેશો અને મહાદ્વીપોનો આકાર તેમની વાસ્તવિક સ્થિતિ કરતાં ખૂબ જ મોટો કે નાનો દેખાય છે, જે સમાન ક્ષેત્રફળ વાળા નકશાથી સુધારી શકાય છે. ભારત ઈચ્છે છે કે આ બાબતમાં કોઈ એક પદ્ધતિ લાદવાને બદલે દેશો અને સંસ્થાઓને પોતાની જરૂરિયાત મુજબ નકશો પસંદ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.
યુએન મહાસભામાં આ પ્રસ્તાવના પક્ષમાં 164 દેશોએ મતદાન કર્યું હતું, જ્યારે માત્ર અમેરિકાએ આ પ્રસ્તાવ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસ્તાવ ટોગો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને આફ્રિકન યુનિયનના સભ્ય દેશોએ તેને ટેકો આપ્યો હતો. ફ્રાન્સ અને બ્રિટન સહિતના મોટા દેશોએ પણ તેની તરફેણ કરી છે. જો કે, આ નિર્ણય કાયદાકીય રીતે તમામ દેશો માટે બંધનકર્તા નથી, પરંતુ તેનાથી વૈશ્વિક સ્તરે નકશાઓના ઉપયોગમાં બદલાવ લાવવાનો રસ્તો જરૂર ખુલ્લો થયો છે.
- મર્કેટર મેપ અને ઇક્વલ અર્થ પ્રોજેક્શન
16મી સદીથી ઉપયોગમાં લેવાતા ‘મર્કેટર મેપ’માં મોટી ખામી એ છે કે જેમ-જેમ કોઈ જગ્યા ભૂમધ્ય રેખાથી દૂર જાય તેમ તેમ તે વાસ્તવિકતા કરતાં ઘણી મોટી દેખાય છે. દાખલા તરીકે, આફ્રિકા અને ગ્રીનલેન્ડ નકશા પર સરખા દેખાય છે, જ્યારે વાસ્તવમાં આફ્રિકા ગ્રીનલેન્ડ કરતાં ૧૪ ગણું મોટું છે. આ ખામી દૂર કરવા માટે ‘ઇક્વલ અર્થ પ્રોજેક્શન’ જેવા નકશા આગળ આવ્યા છે, જે ક્ષેત્રફળને વધુ સાચા અનુપાતમાં દર્શાવવાનો પ્રયાસ કરે છે.


