તેહરાન, 7 સપ્ટેમ્બર 2026: હોર્મુઝ સ્ટ્રેટ ખાતે વણસી રહેલી પરિસ્થિતિને લઈને ઈરાને અમેરિકા અને ઈઝરાયેલ પર આકરા પ્રહારો કર્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘેઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ યુદ્ધ અમેરિકાએ શરૂ કર્યું છે, પરંતુ તેની કિંમત આખી દુનિયા ચૂકવી રહી છે અને ખોટી રીતે ઈરાનને તેનો દોષી ઠેરવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોતાની પ્રતિક્રિયા આપતા બાઘેઈએ જણાવ્યું કે, હોર્મુઝ સ્ટ્રેટ 28 ફેબ્રુઆરી સુધી સંપૂર્ણપણે ખુલ્લો હતો, પરંતુ ત્યારબાદ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરીને ક્ષેત્રમાં એક ગેરકાયદેસર અને વિનાશક યુદ્ધ શરૂ કર્યું હતું. જેના કારણે વ્યાપારી જહાજોની અવરજવર અટકી ગઈ છે, ઓઇલ ટેન્કર્સ રોકાઈ ગયા છે અને વૈશ્વિક સ્તરે ઊર્જા (ઓઇલ-ગેસ)ના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.
ઈરાની પ્રવક્તાએ આક્ષેપ કર્યો છે કે અમેરિકા ખુદ પેદા થયેલી આ અસ્થિરતા અને આર્થિક નુકસાનનું બિલ દુનિયાની સામે રજૂ કરી રહ્યું છે અને પોતાની જવાબદારીમાંથી છટકીને ઈરાનના માથે દોષનો ટોપલો ઢોળી રહ્યું છે. આ સ્થિતિ અત્યંત બેતુકી અને અવિશ્વસનીય છે. દરમિયાન, રવિવારે જ ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની ચેતવણી બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ત્રણ જહાજો (બે ઓઇલ ટેન્કર અને એક એલએનજી કેરિયર) એ પોતાનો રસ્તો બદલીને પાછા ફરવું પડ્યું હતું.
-
ઈરાની સંસદના સ્પીકરની કડક ચેતવણી
ઈરાની સંસદ (મજલિસ)ના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલીબાફે પણ સંસદના સત્રમાં આક્રમક વલણ અપનાવતા ચેતવણી આપી હતી કે ઈરાનના રાષ્ટ્રીય હિતો વિરુદ્ધ કરવામાં આવનાર કોઈપણ હુમલાનો જવાબ અત્યંત ઝડપી, સખત અને પીડાદાયક આપવામાં આવશે. તેમણે અમેરિકન અધિકારીઓને સંભળાવતા કહ્યું કે હવે ‘બરાબરના જવાબ’ આપવાનો સમય પૂરો થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના આ સતત તણાવને કારણે વૈશ્વિક વેપાર અને ખાસ કરીને ક્રૂડ ઓઇલની સપ્લાય ચેઈનને મોટો ફટકો પડ્યો છે, જે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ચિંતાનો વિષય બન્યો છે.


