નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોવાની રાજધાની પણજી ખાતેથી દેશમાં નાર્કોટિક્સ કંટ્રોલને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2029 સુધીમાં ભારતને સંપૂર્ણપણે નશામુક્ત બનાવવાનો સંકલ્પ લીધો છે. નક્સલવાદની જેમ જ ડ્રગ્સની સમસ્યા સામે પણ સખત કાર્યવાહી કરવા માટે સરકારે જુલાઈ 2026થી જુલાઈ 2029 સુધીનો ત્રણ વર્ષનો વિશેષ એક્શન પ્લાન (રોડમેપ) તૈયાર કર્યો છે. સરકાર હવે માત્ર ડ્રગ્સની નાની ખેપ કે પ્યાદાઓને પકડવા પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ડ્રગ સિન્ડિકેટના માસ્ટરમાઇન્ડ, કિંગપિન, આર્થિક મદદ કરનારા (ફાઈનેન્સર્સ), સપ્લાય ચેઈન અને વિદેશ ભાગી ચૂકેલા આરોપીઓ પર સીધો શિકંજો કસશે.
આગામી ત્રણ વર્ષ માટે સરકારે કેટલાક સ્પષ્ટ લક્ષ્યાંકો નક્કી કર્યા છે, જેમાં 100 આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય ડ્રગ નેટવર્કને તોડી પાડવા, ડ્રગ્સના કેસમાં વિદેશ નાસી છૂટેલા 100 મુખ્ય આરોપીઓને ઇન્ટરપોલ અને ભારત સરકારના સંકલનથી સ્વદેશ પરત લાવવા તથા ગેરકાયદેસર રીતે ચાલતી 100 ગુપ્ત ડ્રગ મેન્યુફેક્ચરિંગ લેબોરેટરીઓનો નાશ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દેશના 50 કરોડ લોકો સુધી પહોંચીને જનજાગૃતિ ફેલાવવાનું અને 1 લાખ ‘નશામુક્તિ મિત્ર’ તૈયાર કરવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે.
આ સમગ્ર અભિયાન ચાર મુખ્ય પિલર પર આધારિત રહેશે, જેમાં ગુપ્તચર માહિતી આધારિત ઓપરેશન, પ્રીકરસર્સ અને સિન્થેતિક ડ્રગ્સ પર કંટ્રોલ, ડિમાન્ડ અને હાર્મ રિડક્શન તેમજ કેન્દ્ર તથા રાજ્યની એજન્સીઓ વચ્ચે મજબૂત તાલમેલનો સમાવેશ થાય છે. બૉટમ-ટુ-ટોપ અને ટોપ-ટુ-બૉટમ બંને પદ્ધતિથી તપાસ હાથ ધરીને ED અને ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટની મદદથી ડ્રગ્સના કાળા નાણાંને ટ્રેક કરવામાં આવશે.
-
12 વર્ષમાં 1.19 કરોડ કિલો ડ્રગ્સ ઝડપાયું
અગાઉની સરખામણીમાં વર્તમાન સમયમાં ડ્રગ્સ વિરુદ્ધ સઘન કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2004 થી 2014 વચ્ચેના દાયકામાં આશરે 26 લાખ કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત અંદાજે 40 હજાર કરોડ રૂપિયા હતી. જ્યારે 2014 થી 2026 દરમિયાન 1 કરોડ 19 લાખ કિલોગ્રામથી વધુ ડ્રગ્સ જપ્ત કરાયું છે, જેની કિંમત અંદાજે 1.89 લાખ કરોડ રૂપિયા થાય છે. જપ્તીનું આ પ્રમાણ અગાઉ કરતા આશરે 4.6 ગણું વધુ છે. તાજેતરમાં NCB દ્વારા ‘ઓપરેશન વ્હાઇટ સ્ટ્રાઇક’ હેઠળ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી આશરે 349 કિલો હાઈ-ગ્રેડ કોકેઈન (અંદાજિત કિંમત 1,745 કરોડ રૂપિયા) જપ્ત કરવામાં આવી હતી, જે આ નીતિનું ઉત્તમ ઉદાહરણ છે. સરકારનું આ મિશન માત્ર ગુનેગારોની ધરપકડ પૂરતું મર્યાદિત નથી, પરંતુ ડ્રગ્સના સમગ્ર ઇકોસિસ્ટમને નેસ્તનાબૂદ કરવા માટે યુવાનોને NCC, NSS અને ‘માય ભારત’ જેવા પ્લેટફોર્મ્સ દ્વારા જોડીને સામાજિક સ્તરે પણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે.


