ગુવાહાટી, 15 સપ્ટેમ્બર 2026: અસમ સરકાર પોતાના જાહેર પરિવહન તંત્રને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુસાફરોની સુરક્ષા, પરિવહન ક્ષમતા અને મુસાફરીના અનુભવને વધુ બહેતર બનાવવાના ઉદ્દેશ્યથી ‘અસમ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન’ (ASTC) ની તમામ બસોમાં ‘ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ’ (ITMS) લાગુ કરવામાં આવશે. અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મંગળવારે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ નવી સિસ્ટમ અપનાવવાથી રાજ્યની સરકારી બસો માત્ર સ્માર્ટ જ નહીં પરંતુ મુસાફરો માટે અત્યંત સુરક્ષિત પણ બનશે.
નવી ITMS સિસ્ટમ હેઠળ ASTC બસોને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. જેનાથી બસોનું રિયલ-ટાઇમ લોકેશન મોનિટરિંગ, સંચાલન પ્રક્રિયા અને બસ બેડાનું યોગ્ય વ્યવસ્થાપન શક્ય બનશે. આ સિસ્ટમને ‘સ્માર્ટ શેડ્યુલિંગ’ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેનાથી બસ સ્ટોપ પર મુસાફરોનો રાહ જોવાનો સમય ઘટશે અને બસોના ટાઇમ-ટેબલમાં સુધારો થશે. રિયલ-ટાઇમ ટ્રેકિંગના કારણે બસના રૂટમાં થતા વિલંબ અને માર્ગ અકસ્માતો કે અન્ય ઘટનાઓ પર અધિકારીઓ ઝડપથી કાર્યવાહી કરી શકશે.
મુસાફરોની સુરક્ષા વધારવાના હેતુથી આ પહલના ભાગરૂપે બસોની અંદર ‘ઇમરજન્સી પેનિક/SOS બટન’ લગાવવામાં આવશે. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, આ ઇમરજન્સી સિસ્ટમ સીધી સેન્ટ્રલ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી હશે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં ત્વરિત સુરક્ષા અને સહાય પૂરી પાડી શકાય. આ ઉપરાંત, આ અપગ્રેડેડ સિસ્ટમ ઓટોમેટેડ ટિકિટિંગ અને ઈ-પેમેન્ટ (UPI/ડિજિટલ ટ્રાન્ઝેક્શન) ને પણ સપોર્ટ કરશે, જેનાથી રોકડ અને પરંપરાગત કાગળની ટિકિટો પરની નિર્ભરતા ઘટશે.
-
ગામડાં અને શહેરો વચ્ચેનું પરિવહન વધુ સુદ્રઢ બનશે
અસમ જેવા રાજ્યમાં જ્યાં સાર્વજનિક બસો શહેરી કેન્દ્રોને નાના કસબાઓ અને ગ્રામીણ વિસ્તારો સાથે જોડવાનું મુખ્ય માધ્યમ છે, ત્યાં આ ટેકનોલોજી આધારિત સુધારો અત્યંત કારગત સાબિત થશે. જીપીએસ ટ્રેકિંગ, ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ અને ડિજિટલ ટિકિટિંગ જેવા ફીચર્સ સાથે અસમ સરકાર આઈટીએમએસને અસમ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના આધુનિકીકરણમાં એક નવું અને ક્રાંતિકારી ચરણ ગણાવી રહી છે.


