Homeગુજરાતીદેશ-વિદેશમ્યુઝિક ઈન્ડસ્ટ્રીની વર્તમાન હાલત પર ભડક્યા પ્રખ્યાત ગીતકાર સમીર, જૂના ગીતોના રીમેક...

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની વર્તમાન હાલત પર ભડક્યા પ્રખ્યાત ગીતકાર સમીર, જૂના ગીતોના રીમેક અંગે કર્યા ચોંકાવનારા ખુલાસા

મુંબઈ, 15 સપ્ટેમ્બર 2026: બોલિવૂડના દિગ્ગજ અને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા પ્રખ્યાત ગીતકાર સમીર અંજાને તાજેતરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંગીતની વર્તમાન સ્થિતિ અને આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ ની આકરી ટીકા કરી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મ્યુઝિકના થઈ રહેલા પતન, જૂના ગીતોના આડેધડ રીમેક અને ગાયક અરીજીત સિંહના ઈન્ડસ્ટ્રી છોડવા પાછળના સાચા કારણો અંગે ખુલ્લીને વાત કરી છે.

સમીર અંજાને જણાવ્યું કે, “જે વસ્તુ ગુણવત્તાસભર હોય છે તે જ લાંબા સમય સુધી ટકે છે. એટલા માટે 100 વર્ષ પછી પણ લોકો જૂના ગીતો જ સાંભળશે.” તેમણે એક પ્રોડ્યુસર સાથેની વાતચીતનો કિસ્સો શેર કરતા કહ્યું કે પ્રોડ્યુસરે પોતાના ઓફિસમાં માત્ર યુવાનોને જ કામે રાખ્યા છે, પરંતુ છેલ્લા 5-6 વર્ષમાં એક પણ સુપરહિટ આલ્બમ આપ્યું નથી. સમીરે સ્પષ્ટ કર્યું કે, “હું એમ નથી કહેતો કે યુવાનોમાં ટૅલેન્ટ નથી, પરંતુ જ્યારે અનુભવી જૂના લોકો અને નવું યુવા મગજ સાથે મળીને કામ કરે છે ત્યારે જ શ્રેષ્ઠ પરિણામ મળે છે.”

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ પર આકરા પ્રહારો કરતા સમીરે કહ્યું કે, “આજકાલ સંગીતને માત્ર બેકગ્રાઉન્ડ સ્કોર બનાવી દેવામાં આવ્યું છે. ‘ધુરંધર ધ રિવેન્જ’ માં મારા લખેલા પ્રખ્યાત ગીત ‘હમ પ્યાર કરને વાલે, દુનિયા સે ના ડરને વાલે’ નું રીમેક કરવામાં આવ્યું, પરંતુ સ્ક્રીન પર ગોળીબાર અને મારધાડ ચાલી રહી છે! આ કેવા પ્રકારનું સંગીત સંયોજન છે?” તેમણે અજય દેવગનની ફિલ્મ ‘ચૌહાણ’ ના ટીઝરનો ઉલ્લેખ કરતા પણ કહ્યું કે એક્શન સીન દરમિયાન બેકગ્રાઉન્ડમાં ‘જુમ્મા ચુમ્મા’ વાગી રહ્યું છે, જે સંગીતની મજા બગાડી રહ્યું છે.

  • અરીજીત સિંહે કેમ ઈન્ડસ્ટ્રી છોડી?

અરીજીત સિંહ અંગે વાત કરતા સમીરે ખુલાસો કર્યો કે, “અરીજીત સિંહ હેરાન થઈને ઈન્ડસ્ટ્રી છોડી દે તેમાં કોઈ નવાઈની વાત નથી. તેના માટે તમામ કામ એકસરખું થઈ ગયું હતું. મોટાભાગના ગીતોનો સાઉન્ડ અને મ્યુઝિક એકસરખું જ લાગતું હતું અને તેને ગાયકીમાં કોઈ વૈવિધ્ય નહોતું મળી રહ્યું. અમારા જમાનામાં ઉદિત નારાયણ અને અન્ય ગાયકોને અલગ-અલગ પ્રકારના ગીતો ગાવાની તક મળતી હતી.”

સમીર અંજાન બોલિવૂડના અત્યંત સફળ ગીતકાર છે, જેમણે 4500 થી વધુ ગીતો લખ્યા છે. વર્ષ 2015 માં ગીનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેમને બોલિવૂડના સૌથી વધુ ગીતો લખનાર ગીતકાર તરીકે માન્યતા આપવામાં આવી હતી. તેઓ પ્રખ્યાત ગીતકાર લાલજી પાંડે ‘અંજાન’ ના પુત્ર છે. તેમણે પોતાના કરિયરમાં 3 વાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે અને ‘આશિકી’, ‘દિલ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘તેરે નામ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં યાદગાર ગીતો આપ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular