ઈસ્લામાબાદ, 15 સપ્ટેમ્બર 2026: પાકિસ્તાનના અનુભવી બેટ્સમેન અને ટેસ્ટ સુકાની બાબર આઝમને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બાબર આઝમ લગભગ સાત વર્ષના લાંબા વિરામ બાદ પાકિસ્તાનની સ્થાનિક (ડોમેસ્ટિક) રેડ બોલ ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યા છે. તેઓ ઓઈલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (OGDCL) તરફથી રમત રમતા જોવા મળી શકે છે.
ઓઈલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડના સ્પોર્ટ્સ હેડ ફરાહ બતૂલે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, બાબર આઝમ 16 સપ્ટેમ્બરે યુકેથી પરત ફરશે અને તેના પછીના જ દિવસે OGDCL ટીમ સાથે જોડાશે. ટીમ સાથે જોડાયા બાદ બાબર પોતે નક્કી કરશે કે તેઓ બીજો મેચ રમશે કે ત્રીજો. અહેવાલો મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ બાબરને ‘ગેસ્ટ પ્લેયર’ તરીકે OGDCL ની ટીમને આપ્યા છે.
બાબર આઝમે છેલ્લે ડિસેમ્બર 2019માં ડોમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તે સમયે તેમની કપ્તાની હેઠળ સેન્ટ્રલ પંજાબે ‘કાયદે આઝમ ટ્રોફી’નો ખિતાબ જીત્યો હતો. ફાઇનલ મેચમાં સેન્ટ્રલ પંજાબે નોર્ધનને ઇનિંગ્સ અને 16 રનથી પરાજય આપ્યો હતો. બાબર આઝમ માટે આ ડોમેસ્ટિક વાપસી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ડિસેમ્બર 2022 પછી એક પણ સદી ફટકારી નથી. વિતેલા 45 મહિનામાં તેમનો સર્વોચ્ચ સ્કોર 88 રન રહ્યો છે. આવનારી શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા બાબર આઝમ સ્થાનિક ક્રિકેટ રમીને પોતાના ફોર્મમાં પરત આવવા અને સદીના દુષ્કાળને ખતમ કરવા માંગે છે.


