Homeગુજરાતીદેશ-વિદેશબોર્ડર પર સેનાનું માસ્ટરપ્લાન: ચીન સરહદે પથરાશે રસ્તાઓનું નેટવર્ક

બોર્ડર પર સેનાનું માસ્ટરપ્લાન: ચીન સરહદે પથરાશે રસ્તાઓનું નેટવર્ક

નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર 2026: સરહદી વિસ્તારોમાં દેશની ઓપરેશનલ રેડીનેસ અને સૈન્ય લોજિસ્ટિક્સને અત્યાધુનિક બનાવવા માટે ભારતીય સેના અને સંરક્ષણ મંત્રાલય દ્વારા એક મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ચીન દ્વારા સરહદ પાર ઊભા કરવામાં આવેલા લેયર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સખત જવાબ આપવા માટે ભારતે પણ ઉત્તરીય સરહદો પર રોડ, રેલ, હેલિપેડ, 4G સંચાર અને વીજળીનું મજબૂત નેટવર્ક ઊભું કરવાની કામગીરી તેજ કરી દીધી છે.

સંરક્ષણ મંત્રાલયના અહેવાલ મુજબ, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા સરહદી વિસ્તારોમાં આશરે 22,156 કિલોમીટર લંબાઈ ધરાવતા 476 રસ્તાઓ બનાવવાનો નિર્ણય લેવાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં BRO માટે 27,668 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે, જેમાંથી ફોરવર્ડ વિસ્તારોમાં 4,595 કિમી રસ્તાઓનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલના તબક્કામાં ઉત્તરીય સરહદ નજીક 1,113 કિમી રસ્તાઓનું નિર્માણ પૂરું કરી દેવાયું છે. નિર્માણ કાર્ય ઝડપી બનાવવા માટે EPC મોડેલ અને ડ્રોન આધારિત DPR (ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) જેવી નવીન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે.

જમ્મૂ-કાશ્મીરમાં સેનાની અવરજવર સરળ બનાવવા માટે 717 કિલોમીટર લાંબા ટ્રાન્સ-કશ્મીર કનેક્ટિવિટી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ સાધના પાસ, ઝેડ ગલી અને રઝદાન પાસ પર અત્યાધુનિક બોગદાં (ટનલ) બનાવવામાં આવશે. જેનાથી પૂંછ, સોનમર્ગ અને ગુરેજ જેવી દુર્ગમ ઘાટીઓ વચ્ચે વર્ષના તમામ મહિનાઓ દરમિયાન સીધી કનેક્ટિવિટી જળવાઈ રહેશે.

  • રેલ માર્ગે કાશ્મીર પહોંચી સેનાની બટાલિયન

ભારતીય સેનાએ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક મારફતે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. 13 ઓક્ટોબર 2025 ના રોજ એક આખી ઇન્ફન્ટ્રી બટાલિયનને સૈન્ય સામગ્રી અને હથિયારો સાથે સ્પેશિયલ મિલિટ્રી ટ્રેન દ્વારા કાશ્મીર ઘાટી સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં આવી હતી. આ સિવાય સપ્ટેમ્બર 2025 માં BD બારીથી અનંતનાગ સુધી ગુડ્સ ટ્રેન દ્વારા સૈન્ય સાધનો પહોંચાડાયા હતા.

વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ એવા સિલીગુડી કોરિડોર પર વાહનવ્યવહારનું ભારણ ઘટાડવા અને વૈકલ્પિક રસ્તાઓ બનાવવા માટે માર્ગ પરિવહન મંત્રાલય સાથે મળીને પ્રોજેક્ટ હાથ ધરાયા છે. આ સિવાય સરહદી વિસ્તારોમાં 4 મોટી સ્ટ્રેટેજિક રેલ લાઇન, 355 ફોરવર્ડ લોકેશન સુધી 4G મોબાઇલ નેટવર્ક અને 108 લોકેશન સુધી વીજળી પહોંચાડવાની યોજના મંજૂર કરી દેવામાં આવી છે. નવા મોબિલિટી પ્લાન યુનિટનો સફળ ઉપયોગ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન કરવામાં આવ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular