Homeગુજરાતીગુજરાતપાટણમાં ટ્રસ્ટ સંચાલિત જનતા કેન્સર હોસ્પિટલનો CMના હસ્તે કરાયો શુભારંભ

પાટણમાં ટ્રસ્ટ સંચાલિત જનતા કેન્સર હોસ્પિટલનો CMના હસ્તે કરાયો શુભારંભ

પાટણ, 02 નવેમ્બર, 2026 :  Janata Cancer Hospital in Patan inaugurated by CM શહેરમાં અદ્યતન ‘જનતા કેન્સર હોસ્પિટલ’ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને હોસ્પિટલના નિર્માણમાં યોગદાન આપનાર દાતાઓ અને ટ્રસ્ટીઓની સેવાભાવનાને બિરદાવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાટણ ઉત્તર ગુજરાતમાં આરોગ્ય સારવારનું એક મોટું સેન્ટર છે. અત્યાર સુધી અહીં કેન્સરની વિશિષ્ટ સારવાર સુવિધાનો અભાવ હતો, જે આ હોસ્પિટલના પ્રારંભથી દૂર થયો છે. હવે પાટણ અને આસપાસના વિસ્તારના નાગરિકોને કેન્સરની ઉત્તમ સારવાર ઘરઆંગણે જ મળી રહેશે.

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં બદલાતી જીવનશૈલી અને તેનાથી થતા રોગો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વડીલોની કહેવત “ચાદર હોય એટલા પગ લંબાવવા” નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આજના ભૌતિકતાવાદી યુગમાં માનસિક તણાવ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગો વધી રહ્યા છે. તેના કારણે લોકોમાં વ્યસન અને તંબાકુનું પ્રમાણ પણ વધે છે.  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ‘નશા મુક્ત ભારત’ અને હોલિસ્ટિક હેલ્થકેરનો જે વિચાર આપ્યો છે, તેને અપનાવીને આપણે સંતુલિત જીવનશૈલી, દૈનિક યોગ અને આહાર-વિહાર સુધારીને રોગોથી દૂર રહેવું જોઈએ

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે. આ સંકલ્પ ત્યારે જ સાકાર થશે જ્યારે દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય ઉત્તમ હશે. સારું સ્વાસ્થ્ય એ દરેક ક્ષેત્રમાં પ્રગતિનો પાયો છે.

સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ પ્રમોદભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણની જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સિદ્ધિઓ હાંસલ કરી છે. અત્યાર સુધીમાં આ હોસ્પિટલ દ્વારા ૧૫ લાખથી વધુ ઓપીડી અને, ૧.૫૦ લાખથી વધુ આઈપીડીની સારવાર તથા ૧ લાખથી વધુ સફળ ઓપરેશનો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૧.૫૦ લાખથી વધુ સીટી સ્કેન, ૫૦ હજારથી વધુ એમઆરઆઈ, ૧૫ હજારથી વધુ એન્જિયોગ્રાફી અને ૨ હજારથી વધુ એન્જિયોપ્લાસ્ટી જેવી અત્યાધુનિક સેવાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અગાઉ ઉપલબ્ધ ન હતી તેવી ડાયાલિસિસ, આઈસીયુ, કેથ લેબ અને ન્યુરોસર્જરી જેવી અનેકવિધ આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં જનતા હોસ્પિટલ હંમેશાં મોખરે રહી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી  સહિત મહાનુભાવોના હસ્તે દાતાઓના સન્માન સમારોહ યોજાયો હતો. જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ,પાટણ સંચાલિત પી.બી. પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ ,સાંસદ  ભરતસિંહ ડાભી, સાંસદ બાબુભાઈ દેસાઈ,ધારાસભ્યો બલવંતસિંહ રાજપુત લવિંગજી ઠાકોર ,કિરીટ પટેલ,  જિલ્લા કલેક્ટર ડૉ પ્રશાંત જીલોવા, જિલ્લા પોલીસ અધીક્ષક વી કે નાયી, વિશ્વ ગુજરાતી સમાજના ભાવેશ લાખાણી, એપીએમસી  ચેરમેન સ્નેહલ પટેલ,અગ્રણી કે સી પટેલ, સંસ્થાના પ્રમુખ મનસુખ પટેલ, મુખ્ય દાતા વિનોદભાઈ ઝવેરી, કેન્સર હોસ્પિટલના દાતાઓ, ટ્રસ્ટીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular