- દરેક શાળામાં બનશે ‘સ્કૂલ વેલનેસ ટીમ’ (SWT)
- ‘મનો-મિત્ર’ બનશે વિદ્યાર્થીઓનો ભાવનાત્મક સહારો
- 100 થી વધુ વિદ્યાર્થી હોય તો કાઉન્સેલર ફરજિયાત
ગાંધીનગર, 02 નવેમ્બર, 2026 : Government’s important decision for students’ mental health and suicide prevention વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા કલ્યાણ અર્થે તેમના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને આત્મહત્યા નિવારણ માટે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અન્વયે હવે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ અને આત્મહત્યા નિવારણ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવી ફરજિયાત બનશે.
ઉલ્લેખનીય છે કે પરીક્ષાઓમાં વધતી જતી સ્પર્ધા વચ્ચે, વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય ગંભીર ચિંતાનો વિષય બની રહ્યું છે. પરીક્ષાઓની તૈયારી, ઉચ્ચ ગુણ મેળવવાની સ્પર્ધા, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ, ભવિષ્યની ચિંતા અને પરિવારની અપેક્ષાઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ માનસિક તણાવ, પ્રદર્શન સંબંધિત ચિંતા, આત્મવિશ્વાસનો અભાવ અને હતાશા જેવા લક્ષણોનો સામનો કરી રહ્યા છે.
રાજ્યની ભાવી પીઢી અને આવતીકાલના વિકસિત ગુજરાતના ઘડવૈયાઓ એટલે કે આજના વિદ્યાર્થીઓની આ જ્વલંત સમસ્યા પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ દ્વારા મજબૂત પગલાં લેવામાં આવ્યા છે.
રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, 1974માં નવી જોગવાઈ તરીકે વિનિયમ-16(અ) ઉમેર્યો છે. આ સાથે પરિશિષ્ટ-8માં વિદ્યાર્થિયોંના માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ તથા આત્મહત્યા નિવારણ માટે વિગતવાર વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. આ જોગવાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન ધોરણ 9-10ની માધ્યમિક તથા ધોરણ 11-12ની ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.
વિનિયમ 16(અ) મુજબ, “વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા કલ્યાણ અર્થે તેમના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને સુરક્ષા સર્વોપરી છે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે માટે નિયમિત કાઉન્સેલિંગ, જાગૃતિ કાર્યક્રમો અને સમયસર માનસિક સ્વાસ્થ્ય, સુરક્ષા અને તણાવમુક્ત વાતાવરણનું નિર્માણ કરવા પરિશિષ્ટ-8 માં દર્શાવેલ જોગવાઈઓ અંતર્ગત નિયત કાર્યવાહી કરવાની રહેશે. જેથી માનસિક તણાવમાં રહેતા અને આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો ધરાવતા વિદ્યાર્થીઓની વહેલી ઓળખ કરી, તેમને ત્વરિત અને સંવેદનશીલ સંસ્થાકીય મદદ પૂરી પાડી શકાય.”


