Homeગુજરાતીટેકનોલોજીટેબલ પર બંધ પડેલો સ્માર્ટફોન પણ તમારું મગજ વિચલિત કરી શકે છે:...

ટેબલ પર બંધ પડેલો સ્માર્ટફોન પણ તમારું મગજ વિચલિત કરી શકે છે: રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

ફોન ટેબલ પર પડ્યો છે, સ્ક્રીન બંધ છે અને કોઈ નોટિફિકેશન પણ નથી આવી રહ્યું. છતાં શું તમારું મગજ વારંવાર ફોન તરફ ખેંચાય છે? આજની યુવા પેઢીમાં મોબાઈલ ફોનનું ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે અને મોટાભાગના યુવાનો સૌથી વધુ સમય સ્માર્ટફોન પાછળ વિતાવે છે. તાજેતરના રિસર્ચ અનુસાર, સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતા હોઈએ અને તે માત્ર આપણી પાસે પડ્યો હોય તો પણ તે આપણી એકાગ્રતા અને કાર્યક્ષમતા પર નકારાત્મક અસર પાડે છે.

ટેક્સાસ યુનિવર્સિટીના મેકકોમ્બ્સ સ્કૂલ ઓફ બિઝનેસના આસિસ્ટન્ટ પ્રોફેસર એડ્રિયન વોર્ડ અને તેમની ટીમે 800 થી વધુ સ્માર્ટફોન યુઝર્સ પર એક પ્રયોગ કર્યો હતો. યુઝર્સને કોગ્નિટિવ ટેસ્ટ આપવામાં આવ્યા અને તેમના ફોન ત્રણ અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવ્યા—ટેબલ પર, ખિસ્સા કે બેગમાં અને બીજા રૂમમાં. જે લોકોના ફોન બીજા રૂમમાં હતા, તેમણે ટેસ્ટમાં સૌથી સારું પ્રદર્શન કર્યું હતું. સંશોધકોએ આ સ્થિતિને ‘બ્રેન ડ્રેન ઈફેક્ટ’ નામ આપ્યું છે. એટલે કે, ફોન બંધ હોય કે તેનો ઉપયોગ ન થઈ રહ્યો હોય છતાં તેની હાજરી જ મગજની પ્રોસેસિંગ ક્ષમતાનો એક ભાગ રોકી રાખે છે. સાયન્ટિફિક જર્નલ ‘નેચર’માં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર પણ ફોન આંખો સામે હોવાથી અટેન્શન અને વર્કિંગ સ્પીડ ઘટે છે.

  • સ્માર્ટફોન કેવી રીતે ધ્યાન ભટકાવે છે?

નોટિફિકેશન: મેસેજ, સોશિયલ મીડિયા કે ઈમેલની એલર્ટ આવતા જ મગજ ચાલુ કામ છોડીને ‘શું નવું આવ્યું?’ તે જાણવા આતુર બની જાય છે.
એપ ડિઝાઈન: કન્ટીન્યુઅસ સ્ક્રોલિંગ ફીડ, ઓટો-પ્લે વિડિયો અને રેડ નોટિફિકેશન બેજ યુઝર્સને સતત એપમાં અટવાયેલા રાખવા માટે જ ડિઝાઈન કરવામાં આવે છે.
આદત: બોરિયત કે મુશ્કેલ કામ સમયે ફોન ચેક કરવો હવે સભાન નિર્ણયને બદલે એક ઓટોમેટિક આદત બની ગઈ છે.

  • ભારતમાં વધતો વ્યાપ અને આંકડા

સરકારના કોમ્પ્રીહેન્સિવ મોડ્યુલર સર્વે ટેલિકોમ અનુસાર, ભારતના 85.5 ટકા ઘરોમાં ઓછામાં ઓછો એક સ્માર્ટફોન છે, જ્યારે 15 થી 29 વર્ષના 97.1 ટકા યુવાનો નિયમિત મોબાઈલ વાપરે છે. અહેવાલ મુજબ, ભારતીયોએ વાર્ષિક સ્માર્ટફોન પર અબજો કલાક વિતાવ્યા છે, જેમાં સરેરાશ વ્યક્તિ રોજનો 5.8 કલાક જેટલો સમય સ્ક્રીન સામે વિતાવે છે. આ સમયનો 59 ટકા હિસ્સો મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ પાછળ વપરાય છે.

  • એકાગ્રતા પાછી મેળવવાના સરળ ઉપાયો

બિનજરૂરી નોટિફિકેશન અને ઓટો-પ્લે ફીચર્સ તુરંત બંધ કરો.
અભ્યાસ કે મહત્વના કામ સમયે ફોન સાયલન્ટ કરીને બીજા રૂમમાં અથવા પહોંચ બહાર રાખો.
સોશિયલ મીડિયા એપ્સને હોમ સ્ક્રીન પરથી હટાવી દો.
વારંવાર ફોન ચેક કરવાને બદલે દિવસમાં નિશ્ચિત સમય નક્કી કરો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular