Homeગુજરાતીદેશ-વિદેશભારતનું પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન વૈશ્વિક સરેરાશ કરતાં અડધાથી પણ ઓછું: PM...

ભારતનું પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન વૈશ્વિક સરેરાશ કરતાં અડધાથી પણ ઓછું: PM મોદી

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘ધ ફ્યુચર ઓફ એન્વાયરન્મેન્ટ એન્ડ ક્લાઈમેટ ડાયનેમિક્સ’ વિષય પર આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આયોજિત આ બે દિવસીય સંમેલનમાં ભારત સહિત 17 દેશોના ન્યાયિક પ્રતિનિધિઓ અને પર્યાવરણ નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.

ક્લાઈમેટ ચેન્જના મુદ્દે ભારતનો મજબૂત પક્ષ રજૂ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કાર્બન ઉત્સર્જનની જવાબદારી અવારનવાર વિકાસશીલ દેશો પર ઢોળી દેવામાં આવે છે, જે યોગ્ય નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતનું પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન વૈશ્વિક સરેરાશ કરતાં અડધાથી પણ ઓછું છે. 2023 ના સરકારી આંકડા અનુસાર, ભારતનું પ્રતિ વ્યક્તિ ઉત્સર્જન આશરે 2.9 ટન CO2e હતું, જ્યારે વૈશ્વિક સરેરાશ 6.7 ટન CO2e રહી હતી. પીએમ મોદીએ ઉમેર્યું હતું કે ભારત આ આંકડા અને પર્યાવરણીય ફેરફારો માટેની ઐતિહાસિક જવાબદારીના મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય મંચો પર સતત ઉઠાવતું રહ્યું છે.

વડાપ્રધાને પર્યાવરણ સંરક્ષણ અને ક્લાઈમેટ એક્શન સંબંધિત ભારતની વિવિધ વૈશ્વિક પહેલોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA), કોએલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI), ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ અને મિશન લાઈફ જેવી મહત્વપૂર્ણ પહેલોને રેખાંકિત કરી હતી. તેમણે કહ્યું કે ભારત પર્યાવરણ સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે આગળ વધી રહ્યું છે અને ક્લીન એનર્જી (હરિત ઊર્જા)ના ક્ષેત્રમાં પોતાની ક્ષમતાનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે.

  • 12 વર્ષમાં સૌર ઊર્જા ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો

ભારતમાં સોલર એનર્જીના ઝડપી વિકાસનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષોમાં દેશની સોલર એનર્જી કેપેસિટીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. સરકારી આંકડા મુજબ, 31 જુલાઈ 2026 સુધીમાં ભારતની સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા 164.59 GW (ગિગાવોટ) સુધી પહોંચી ગઈ છે, જે 2014 માં માત્ર 2.8 GW હતી.

વડાપ્રધાને ‘પીએમ સૂર્ય ઘર: મફત વિજળી યોજના’નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ યોજના હેઠળ ઘરોની છત પર સોલર પેનલ લગાવવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ 2026 સુધીના આંકડા મુજબ, દેશના 50.06લાખથી વધુ ઘરોમાં રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ ચૂક્યા છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 28024 કરોડથી વધુની સબસિડી લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે અને આશરે ૧૯ લાખ ઘરોમાં વીજળીનું બિલ શૂન્ય નોંધાયું છે.

19 અને 20 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત આ પરિષદમાં પર્યાવરણીય નીતિઓ, તેના અમલીકરણ અને ક્લાઈમેટ ગવર્નન્સને વધુ મજબૂત બનાવવાના ઉપાયો પર વિસ્તૃત ચર્ચા થઈ રહી છે. આ પરિષદમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશો ઉપરાંત વિવિધ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ, પર્યાવરણવિદો અને 17 દેશોના ન્યાયિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular