- કલાકારોની ૧૦૩ ટીમો અને ૧,૦૦૦થી વધુ કલાકારો શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૨૫ વર્ષની સેવાયાત્રાના સેવા, સમર્પણ અને સુશાસનના વિવિધ પાસાઓને લોકો સુધી પહોંચાડશે
ગાંધીનગર, 21 સપ્ટેમ્બર, 2026 – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘નમો સેવા ગાથા- અનકહી કહાનીઓ’ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં વિવિધ નાટ્યપ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું છે જેના માધ્યમથી નરેન્દ્રભાઇની ૨૫ વર્ષની સેવા-યાત્રા, જનકલ્યાણ માટેના પ્રયાસો અને સુશાસનના વિવિધ આયામોને લોકો સમક્ષ જીવંત રીતે રજૂ કરવામાં આવશે.
ગુજરાતમાં ૨૧ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ૧,૭૦૦ જેટલા શેરી નાટકો યોજવામાં આવશે. આ માટે કલાકારોની ૧૦૩ ટીમો અને ૧,૦૦૦થી વધુ કલાકારો જોડાશે. વિવિધ સ્થળે યોજાનારી આ નાટ્યપ્રસ્તુતિઓના માધ્યમથી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઈને દેશના પ્રધાનમંત્રી તરીકેની રાષ્ટ્રસેવા સુધીની યાત્રાના વિવિધ પ્રસંગો અને જનકલ્યાણલક્ષી કાર્યોને સંવાદ, અભિનય, સંગીત અને રંગમંચન દ્વારા રજૂ કરવામાં આવશે.
‘નમો સેવા ગાથા-અનકહી કહાનીઓ’ અંતર્ગત નાટ્યપ્રસ્તુતિઓને સરળ, સંવેદનશીલ અને સંગીતમય સ્વરૂપ આપવામાં આવ્યું છે. કુશળ કલાકારોના જીવંત અભિનય અને પ્રભાવશાળી સંવાદો દ્વારા સેવા, સમર્પણ, અંત્યોદય, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને ઉજાગર કરતા પ્રસંગોને રંગમંચ પર સાકાર કરવામાં આવશે. શેરી નાટકોના માધ્યમથી વિવિધ વિસ્તારોમાં સીધો જનસંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાનારી આ સમગ્ર નાટ્યપ્રવૃત્તિ દ્વારા સેવા અને સુશાસનના વિવિધ પાસાઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યના જિલ્લા અને મહાનગરોમાં વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે ૪,૫૦૦ જેટલા નાટ્યમંચન યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ કલા, અભિનય અને સર્જનાત્મક અભિવ્યક્તિ સાથે પ્રસ્તુતિ કરશે. આ પ્રવૃત્તિઓ દ્વારા યુવા પેઢીમાં રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની જાગૃતિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવશે.


