Homerevoinewsગુજરાતમાં સરકાર અને સંગઠન દ્વારા શાસક તરીકે નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષ નિમિત્તે...

ગુજરાતમાં સરકાર અને સંગઠન દ્વારા શાસક તરીકે નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત પક્ષના અગ્રણીઓએ 17 સપ્ટેમ્બરથી 17 ઑક્ટોબર સુધી ચાલનારા સેવા સંકલ્પ અભિયાનની જાહેરાત કરી

રિવોઈ ન્યૂઝ, ગાંધીનગર. 10 સપ્ટેમ્બર, 2026 – નરેન્દ્રભાઈ મોદી એક શાસક તરીકે દેશની સેવાના 25 વર્ષ પૂરા કરી રહ્યા છે. એ નિમિત્તે ભારતીય જનતા પક્ષ તેમજ ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં ભાજપના વડામથક શ્રીકમલમ ખાતે આજે ગુરુવારે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત અગ્રણીઓએ આગામી 17 સપ્ટેમ્બરથી એક મહિના સુધી ચાલનારા સેવા સંકલ્પ અભિયાનની જાહેરાત કરી હતી.

25 વર્ષની સેવાયાત્રાઃ વિશ્વગુરુ બનવાની દિશામાં ગતિઃ જગદીશભાઈ

પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈએ કહ્યું હતું કે, નરેન્દ્રભાઈએ 2001માં ગુજરાતમાં શાસનધૂરા સંભાળી તે પહેલાંની સ્થિતિ કેવી હતી તે સૌ જાણે છે. પાણીની અછતથી માંડીને રસ્તાઓની હાલત સહિત દરેક બાબતમાં સ્થિતિ ચિંતાજનક હતી. પરંતુ નરેન્દ્રભાઈ મોદી સક્ષમ શાસન દ્વારા જે પરિવર્તન લાવ્યા તે આજે દુનિયા જોઈ રહી છે.

પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી અનેક યોજનાઓ વિશે વાત કરતા શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, શ્રી મોદીના નેતૃત્વ હેઠળ થયેલી આ બધી કામગીરી દેશની એવી સેવા છે જેનાથી નાગરિકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે, વેપાર-ઉદ્યોગ પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થઈ છે, આરોગ્ય સેવામાં સુધારા થયા છે, આર્થિક ક્ષેત્રે ફ્રેજાઈલ-5ની સ્થિતિમાંથી દેશ આજે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઈકોનોમી બન્યો છે. દુનિયામાં દેશનું માન વધ્યું છે તેનું પ્રમાણ એ વાત પરથી સમજી શકાય છે કે દુનિયાના 37 દેશોએ તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી વડાપ્રધાન શ્રી મોદીને સન્માનિત કર્યા છે.

આ સાથે ગુજરાત ભાજપ અધ્યક્ષે એક મહિના સુધી યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા પણ આપી હતી. તેમણે કહ્યું કે, 17 સપ્ટેમ્બરે શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને સાત ઑક્ટોબરે શાસક તરીકે તેમણે લીધેલા શપથના 25 વર્ષ પૂર્ણ થાય છે. તેથી આ દિવસોમાં સેવા સંકલ્પ અભિયાન યોજાશે.

જનસમર્પણના 25 વર્ષઃ સીએમ ભૂપેન્દ્રભાઈ

પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાત ઑક્ટોબરને જનસમર્પણના 25 વર્ષ તરીકે ઓળખાવીને કહ્યું હતું કે, આ અભિયાનનો પ્રારંભ 17 સપ્ટેમ્બરે શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી થશે. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ વિઝન સાથે વર્ક કલ્ચરની પાર્ટી છે તેમ જણાવી શ્રી ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના વિકાસ માટે જે કામગીરી કરી તેને કારણે સમગ્ર દેશમાં પ્રતિષ્ઠા વધી અને ત્યારબાદ વડાપ્રધાન તરીકે છેલ્લા 12 વર્ષમાં જે કંઈ કર્યું તેને પરિણામે દુનિયામાં દેશની પ્રતિષ્ઠા વધી છે.

દુનિયા આજે ભારતને વિશ્વમિત્ર તરીકે જુએ છે તેમ જણાવી મુખ્યમંત્રીએ માહિતી આપી કે, સેવા સંકલ્પ અભિયાન દરમિયાન રાજ્યમાં રક્તદાન શિબિરો યોજાશે. આ અભિયાનના પ્રારંભે 17 સપ્ટેમ્બરે સાંજે સમગ્ર ગુજરાતમાં આશીર્વાદના દીવા પ્રગટાવીને મોદીજીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવશે.

સેવા સેતુ અભિયાન

મુખ્યમંત્રીએ માહિતી આપી કે, આ ગાળામાં સેવા સેતુ અભિયાન અંતર્ગત સરકાર આપના દ્વારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે દરમિયાન નાગરિકોને તેમના ઘરે જ સરકારની વિવિધ સેવાઓ પૂરી પાડવાની પહેલ કરવામાં આવશે.

સેવા સંકલ્પ અભિયાન હેઠળ યોજનારા વિશિષ્ટ કાર્યક્રમો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના શાસન નિમિત્તે ગુજરાતમાં સેવા સંકલ્પ અભિયાન દરમિયાન આશીર્વાદનો દીવો, રક્તદાન શિબિરો, મારા સપનાનું ભારત વિષયે ચિત્ર સેવા, નમો સેવા નામે અનકહી કહાનિયાં દ્વારા લોકોના પ્રતિભાવ, આંગણવાડી બહેનો દ્વારા આંગન મિલન સેવા જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સેવા જ્યોતિકળશ યાત્રા તથા સંકલ્પ સેવા યાત્રા અંતર્ગત વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગરની યાત્રા યોજાશે. જેમાં વડનગરના હાટકેશ્વર મંદિરમાં તેમજ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં જળાભિષેક કરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular