Homeગુજરાતીગુજરાતગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં 99 ટકા જળસંગ્રહ: મહત્તમ સપાટીથી માત્ર 35 સેમી...

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં 99 ટકા જળસંગ્રહ: મહત્તમ સપાટીથી માત્ર 35 સેમી દૂર

ગાંધીનગર, 23 સપ્ટેમ્બર 2026: દેશમાં અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક રહી છે, પરંતુ ગુજરાત માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનો સરદાર સરોવર ડેમ હવે સંપૂર્ણ છલકાવાની અણી પર પહોંચી ગયો છે. ઉપરવાસમાંથી સતત 70 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થવાના કારણે સરદાર સરોવર ડેમની જળસપાટી 138.35 મીટરે પહોંચી ગઈ છે, જે તેની 138.68 મીટરની મહત્તમ સપાટીથી માત્ર 35 સેન્ટિમીટર જ દૂર છે. હાલમાં ડેમમાંથી 13,120 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે, જ્યારે ડેમમાં 5638.62 મિલીયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ છે. રિવરબેડ પાવર હાઉસના ટર્બાઇન બંધ હોવા છતાં કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇન સતત કાર્યરત રાખીને વીજ ઉત્પાદન અને પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જળસંગ્રહની પ્રાદેશિક સ્થિતિ અંગે વાત કરીએ તો, ગુજરાતના કુલ 207 ડેમો અને જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા 25,256.56 મિલીયન ક્યુબિક મીટર છે, જેની સામે હાલમાં 20654.56 મિલીયન ક્યુબિક મીટર પાણી ઉપલબ્ધ થયું છે. પ્રાદેશિક સ્તરે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 84.86 ટકા અને ઉત્તર ગુજરાતમાં 46.67 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ સિવાય કચ્છમાં 31.35 ટકા અને સૌરાષ્ટ્રમાં 51.61 ટકા જળસંગ્રહ નોંધાયો છે. નર્મદા ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા 9460 મિલીયન ક્યુબિક મીટર છે, જેમાં હાલ 98.77 ટકા જેટલો જળજથ્થો સંગ્રહિત થઈ ચૂક્યો છે. રાજ્યના 207 ડેમોમાંથી કુલ 32 ડેમો 100 ટકા એટલે કે સંપૂર્ણ ભરાઈ ગયા છે, જેમાં સૌરાષ્ટ્રના 18, દક્ષિણ ગુજરાતના 8 અને ઉત્તર ગુજરાતના 2 ડેમોનો સમાવેશ થાય છે.

નર્મદા ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક અન્ય મહત્વપૂર્ણ જળાશયો પણ ઉત્તમ સ્તરે પહોંચ્યા છે. શેત્રુંજી, ઉકાઈ, દમણગંગા અને સરદાર સરોવર જેવા મુખ્ય જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી હોવાથી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં હાલ 47 ડેમ હાઈ એલર્ટ, 11 ડેમ એલર્ટ અને 12 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. આંકડાકીય વિગતો દર્શાવે છે કે દક્ષિણ ગુજરાતમાં સારો સંગ્રહ થયો છે, પરંતુ સરખામણીએ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ થયો હોવાથી ત્યાં પાણીની સ્થિતિ આવનારા સમયમાં ચિંતાજનક બની શકે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular