નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર 2026: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે સુરક્ષા દળોએ પોતાના અભિયાનને વધુ ઝડપી બનાવ્યું છે. પૂંછ અને રાજૌરી જિલ્લાના સરહદી વિસ્તારોમાં આતંકીઓ અને તેમના મદદગારો સક્રિય હોવાની ચોક્કસ ગુપ્ત માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ 29 સપ્ટેમ્બરે એક વિશાળ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ બંને જિલ્લાઓના 12થી વધુ શંકાસ્પદ સ્થળો તેમજ જંગલથી અડીને આવેલા વિસ્તારોમાં સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા એકસાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
પૂંછ અને રાજૌરીનો ભૌગોલિક વિસ્તાર ઘનઘોર જંગલો અને પહાડીઓથી ઘેરાયેલો હોવાથી આતંકી સંગઠનો અવારનવાર અહીં પોતાના ઠેકાણા બનાવવાનો પ્રયાસ કરતા હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જવાનોએ ઓપરેશનનો વ્યાપ વધારી દીધો છે. સમગ્ર વિસ્તારમાં શંકાસ્પદ ઘરો, છુપાવાના સ્થળો અને જંગલોને ખૂંદી વળવામાં આવી રહ્યા છે જેથી આતંકીઓની દરેક પ્રવૃત્તિને નિષ્ફળ બનાવી શકાય.
-
25 આતંકીઓને શોધવા માટે મેગા ઓપરેશન
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, જમ્મુ ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં આશરે 25 જેટલા આતંકવાદીઓ સક્રિય હોવાની આશંકા છે, જેમાં 21 પાકિસ્તાની અને 4 સ્થાનિક આતંકીઓનો સમાવેશ થાય છે. આ સ્થાનિક આતંકીઓમાં હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો જૂનો આતંકી જહાંગીર સરૂરી અને તેનો સમૂહ કટોહ-કિશ્તવાડ વિસ્તારમાં સક્રિય છે, જ્યારે ‘નિક્કુ’ નામનો અન્ય એક આતંકી કઠુઆ અને ઉધમપુર વચ્ચેના વિસ્તારોમાં છુપાયેલો છે. આ તમામની શોધખોળ માટે રાજૌરી અને પૂંછથી લઈને કઠુઆ સુધીના જંગલોમાં બેડા ફંગોળાઈ રહ્યા છે.
-
વર્ષ 2026માં 15થી વધુ આતંકીઓ ઢેર
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષ ૨૦૨૬ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે સુરક્ષા દળોને મોટી સફળતાઓ મળી છે. 1 જાન્યુઆરીથી 22 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં જમ્મુ સંભાગ, કાશ્મીર ખીણ અને નિયંત્રણ રેખા પર ચલાવવામાં આવેલા વિવિધ એન્કાઉન્ટર અને ઘૂસણખોરી વિરોધી અભિયાનોમાં ઓછામાં ઓછા 15 આતંકવાદીઓ માર્યા ગયા છે. વર્ષની શરૂઆતમાં 23 જાન્યુઆરીના રોજ કઠુઆના બિલાવર ખાતે હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાની આતંકી ઉસ્માન ઉર્ફે અબૂ માવિયાને સેનાએ ઢેર કર્યો હતો.


