Homeગુજરાતીદેશ-વિદેશભારત-સ્વિસ ભાગીદારીના ત્રણ મજબૂત સ્તંભ-ઇનોવેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી: નરેન્દ્ર મોદી

ભારત-સ્વિસ ભાગીદારીના ત્રણ મજબૂત સ્તંભ-ઇનોવેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 5 ઓક્ટોબર 2026: PM નરેન્દ્ર મોદી અને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગી પાર્મેલિન વચ્ચે સોમવારે હૈદરાબાદ હાઉસ ખાતે મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બેઠક બાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન PM મોદીએ ભારત-સ્વિટ્ઝર્લેન્ડ સંબંધોને વિશેષ ગણાવતા કહ્યું કે, ઇનોવેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાન્સ્ડ ટેક્નોલોજી બંને દેશોની ભાગીદારીના ત્રણ મજબૂત સ્તંભ છે.

  • “EFTA સાથેના ઐતિહાસિક કરારમાં સ્વિટ્ઝર્લેન્ડનું મહત્વનું યોગદાન”

PM મોદીએ સ્વિસ રાષ્ટ્રપતિનું સ્વાગત કરતા કહ્યું કે, ભારત-સ્વિટ્ઝર્લેન્ડ સંબંધો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે, ગત વર્ષે તેમના સમર્થનથી ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) દેશો વચ્ચે ઐતિહાસિક ટ્રેડ એન્ડ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (TEPA) અમલમાં આવ્યો. આ યુરોપના કોઈપણ આર્થિક જૂથ સાથે ભારતનો પ્રથમ FTA છે.

  • સંરક્ષણ અને પરમાણુ ઊર્જામાં સહયોગ વધારાશે

PM મોદીએ કહ્યું કે, બંને દેશોએ મિલિટરી એક્સચેન્જ અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે સહયોગની નવી સંભાવનાઓ ઓળખી છે. સાથે જ પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની પણ સંમતિ થઈ છે.

  • સદીઓ જૂની મિત્રતાનો ઉલ્લેખ

ભારત અને સ્વિટ્ઝર્લેન્ડના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે, બંને દેશોની મિત્રતા સદીઓ જૂની છે. 19મી સદીમાં સ્વામી વિવેકાનંદે સ્વિટ્ઝર્લેન્ડમાં હિમાલયની ઝલક અનુભવી હતી. મહાત્મા ગાંધીજીએ પણ સ્વિટ્ઝર્લેન્ડમાં સમય વિતાવ્યો હતો અને ત્યાંના લોકો સાથે સંવાદ કર્યો હતો. PM મોદીએ કહ્યું કે, આજે ઇનોવેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાન્સ્ડ ટેક્નોલોજી બંને દેશોની ભાગીદારીના મજબૂત સ્તંભ બની ગયા છે.

  • નિકાસ વધારવા અને રોકાણ આકર્ષવા મહત્વપૂર્ણ નિર્ણયો

બંને દેશોએ ભારતમાં ઉત્પાદિત ચીજવસ્તુઓને સ્વિટ્ઝર્લેન્ડના બજારમાં વધુ પહોંચ મળે અને પરસ્પર રોકાણને સરળ બનાવી શકાય તે માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તેનાથી કૃષિ, ફાર્મા, ટેક્સટાઈલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રની નિકાસને પ્રોત્સાહન મળશે. સાથે જ બાયોટેક, લાઇફ સાયન્સ, બેન્કિંગ, ઈન્સ્યોરન્સ, ફૂડ પ્રોસેસિંગ અને સસ્ટેનેબિલિટી જેવા ક્ષેત્રોમાં નવા સ્વિસ રોકાણને આકર્ષવા પર પણ સહમતિ થઈ છે.

  • MoUનું પણ થયું આદાન-પ્રદાન

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પહેલાં બંને નેતાઓની ઉપસ્થિતિમાં ભારત અને સ્વિસ સંઘ વચ્ચે વિવિધ એમઓયુનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular