ન્યુ દિલ્હી, 12 ઓક્ટોબર 2026: દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણ અને ફટાકડાના ઉપયોગ પર રોક લગાવવા સંબંધિત મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, કોઈપણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડ્યા વિના લોકોમાં ફટાકડાથી થતા નુકસાન સામે જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતા વાળી પીઠે સુનાવણી દરમિયાન કહ્યું કે અદાલત એવો રસ્તો અપનાવવા માંગે છે, જેનાથી ધાર્મિક આસ્થાઓ અને જનસ્વાસ્થ્ય બંને વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે.
સુનાવણી દરમિયાન જસ્ટીસ જોયમાલ્ય બાગચીએ સવાલ ઉઠાવ્યો હતો કે, “ફટાકડા ફોડવાનો ધર્મ સાથે શું સંબંધ છે?” આ અંગે એમિકસ ક્યૂરી અપરાધિતા સિંહે દલીલ કરી હતી કે દર વર્ષે ફટાકડાના સમર્થનમાં ધાર્મિક લાગણીઓનું કાર્ડ આગળ ધરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે જો દેવતાઓને ખબર પડે કે તેમના નામ પર નાના બાળકો બીમાર પડી રહ્યા છે અને પરેશાન થઈ રહ્યા છે, તો તેઓ પણ તેનાથી દુઃખી થશે. સાથે જ ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું કે અદાલત કોઈની પણ ધાર્મિક ભાવનાઓને આહત કરવા નથી માંગતી, પરંતુ લોકોએ ખુદ આગળ આવીને પર્યાવરણને અનુકૂળ સુરક્ષિત વિકલ્પો અપનાવવા જોઈએ. સમાજમાં જાગૃતિ વધારવી અને લોકોને સ્વેચ્છાએ ઓછા નુકસાનકારક રસ્તાઓ અપનાવવા પ્રેરિત કરવા એ જ આ સમસ્યાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય હોઈ શકે છે.
-
કેવળ આદેશ આપવાથી પ્રતિબંધો જમીની સ્તરે લાગુ થતા નથી
સુનાવણી દરમિયાન એમિકસ ક્યૂરીએ જણાવ્યું હતું કે, એક-બે કલાક ફટાકડા ફોડવાની મર્યાદા નક્કી કરવી સરળ લાગે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર આવા નિયમોનું પાલન કરાવવું ખૂબ જ મુશ્કેલ છે. પોલીસ દરેક ગલી અને દરેક ચોકી પર હાજર રહી શકે નહીં, તેથી માત્ર આદેશો જારી કરવાથી પ્રશ્નનો ઉકેલ આવશે નહીં. આ બાબતે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન ઉપલબ્ધ વૈજ્ઞાનિક ડેટા અને સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય વિચારણા કરી શકે છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પણ આ વાત સાથે સહમતિ દર્શાવતા કહ્યું કે કોર્ટે કોઈપણ પ્રતિબંધાત્મક આદેશ આપતા પહેલા એ જોવું પડશે કે તેને અસરકારક રીતે લાગુ કરી શકાય તેમ છે કે નહીં. વ્યવહારુ અને જમીની સ્તરે કારગર સાબિત થાય તેવા ઉપ્યાઓ પર ભાર મૂકવો અનિવાર્ય છે. કોર્ટે નાગરિકોને અપીલ કરી છે કે તહેવારોની ઉજવણી કરતી વખતે પ્રદૂષણ ઘટાડવા અને ફટાકડાનો વપરાશ મર્યાદિત રાખવાની વિશેષ કાળજી રાખવી જોઈએ. આ મામલાની આગામી સુનાવણી હવે 15 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.


