Homeગુજરાતીદેશ-વિદેશભારત ક્યારેય આક્રમક નીતિમાં નથી માનતું: અમિત શાહ

ભારત ક્યારેય આક્રમક નીતિમાં નથી માનતું: અમિત શાહ

નવી દિલ્હી, 13 ઓક્ટોબર 2026: પાડોશી દેશો વચ્ચે સહયોગ, આર્થિક એકીકરણ અને પરસ્પર સુરક્ષાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજધાની દિલ્હીમાં બિમસ્ટેકના ગૃહ મંત્રીઓની પ્રથમ ઐતિહાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત હંમેશાં શાંતિ અને સહઅસ્તિત્વમાં માને છે, પરંતુ ક્ષેત્રીય સુરક્ષા માટે તમામ દેશોએ ડ્રગ્સ અને માનવ તસ્કરી સામે એક થઈને લડવું પડશે. આ બેઠકમાં ભારત માટે આ યજમાનીને ગર્વની ક્ષણ જણાવતા ગૃહ મંત્રીએ કહ્યું કે, “આજની આ બેઠક ક્ષેત્રીય એકીકરણ અને સામૂહિક સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ રહી છે. ભારત હંમેશાં ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના સાથે આગળ વધ્યું છે અને માનવ કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહ્યું છે.”

ભારતની વિદેશ નીતિ અને સંરક્ષણ અભિગમ વિશે વાત કરતા અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશે ક્યારેય કોઈ પણ રાષ્ટ્ર પર આક્રમણ કે પ્રભુત્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો નથી. તેમણે ઉમેર્યું, “આપણે હંમેશાં અન્ય તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કર્યું છે તેમજ પરસ્પર મતભેદોના શાંતિપૂર્ણ ઉકેલ પર ભાર મૂક્યો છે.” વર્તમાન સમયની સૌથી મોટી વૈશ્વિક સમસ્યાઓ પૈકીની એક એવી નશીલા પદાર્થોની હેરાફેરી (ડ્રગ્સ ટ્રાફિકિંગ) અંગે ચિંતા વ્યક્ત કરતા ગૃહ મંત્રીએ તેને યુવા પેઢી પર સીધો હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે: ડ્રગ્સની હેરાફેરી માત્ર એક ગુનો નથી, પરંતુ તે આપણા સમાજ, સંસ્કૃતિ અને આવનારી પેઢીઓના જીવન પર સીધો પ્રહાર છે. ડ્રગ્સ વેચાણમાંથી થતી ગેરકાયદેસર કમાણી સંગઠિત અપરાધોને મજબૂત કરે છે અને આ જ નાણાંનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે થાય છે. પ્રિકર્સર કેમિકલ્સનો દુરુપયોગ અને ડાર્ક વેબના માધ્યમથી થતા ગેરકાયદે નાણાકીય વ્યવહારો આ સમસ્યાને વધુ જટિલ બનાવી રહ્યા છે, જેને રોકવા માટે માત્ર એક દેશના પ્રયાસો પૂરતા નથી.

  • માનવ તસ્કરી રોકવા માટે સામૂહિક સહયોગ જરૂરી

ગૃહ મંત્રીએ ડ્રગ્સ ઉપરાંત માનવ તસ્કરીના ગંભીર મુદ્દા પર પણ ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું કે પીડિતોની સાચી ઓળખ કરવી, તેમને યોગ્ય સમયે બચાવવા, તેમના પુનર્વસનની વ્યવસ્થા કરવી અને તેમને સુરક્ષિત રીતે પોતપોતાના દેશમાં પરત મોકલવા માટે તમામ સભ્ય દેશોએ સાથે મળીને મજબૂત માળખું ઊભું કરવું પડશે. આ પ્રસંગે બિમસ્ટેક સંગઠન વિશે વાત કરતાં અમિત શાહે જણાવ્યું કે ગત વર્ષે ૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ બેંગકોક ખાતે યોજાયેલી છઠ્ઠી બિમસ્ટેક શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે આ સંગઠન માત્ર એક પ્રાદેશિક મંચ નથી, પરંતુ તે સર્વસમાવેશક વિકાસ અને સુરક્ષાનું એક મોડેલ છે. આ વિઝનને જમીની સ્તરે ઉતારીને નક્કર વ્યવસ્થાઓમાં બદલવાની જવાબદારી હવે તમામ ગૃહ મંત્રીઓની છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular