Homeગુજરાતીદેશ-વિદેશઅમેરિકા સાથે સંબંધો જાળવવા સરળ નથી, ચીન સાથે સીમા પર શાંતિ જરૂરી:...

અમેરિકા સાથે સંબંધો જાળવવા સરળ નથી, ચીન સાથે સીમા પર શાંતિ જરૂરી: ડો. એસ. જયશંકર

નવી દિલ્હી, 14 ઓક્ટોબર 2026: વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલા રાજકીય અને આર્થિક સમીકરણો વચ્ચે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતની વિદેશ નીતિ અને વૈશ્વિક સંબંધો અંગે અત્યંત મહત્વના નિવેદનો આપ્યા છે. દિલ્હીમાં આયોજિત ‘બ્લૂમબર્ગ ન્યૂ ઈકોનોમી ફોરમ’ના એક કાર્યક્રમમાં બોલતા તેમણે સ્પષ્ટ કર્યું કે, વૈશ્વિક સ્તરે અમેરિકાની ભૂમિકા અને તેના વલણમાં ફેરફાર થયો છે, જેના કારણે અમેરિકા સાથેના સંબંધોને આગળ ધપાવવા તે દરેક દેશ માટે એક પડકાર બની ગયું છે. ભારતની વ્યૂહરચના વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, અમેરિકા સાથે જોડાણ વધારવું અને ચીન સાથેના સરહદી મામલાઓને કુનેહપૂર્વક હેન્ડલ કરવા — આ બંને બાબતો ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જયશંકરે જણાવ્યું હતું કે, અમેરિકા પોતાના વૈશ્વિક જોડાણો અને વ્યાપારી શરતોની પુનઃસમીક્ષા કરી રહ્યું છે. ભારત માટે અમેરિકા કોઈ સત્તાવાર લશ્કરી સાથી નથી પરંતુ એક મજબૂત ‘વ્યૂહાત્મક ભાગીદાર’ છે. બંને દેશો વચ્ચેના પ્રસ્તાવિત વેપાર કરાર અંગે તેમણે ઉમેર્યું કે, વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. અમેરિકા જેવા વિશાળ માર્કેટ સાથે કરાર કરતી વખતે ભારતે પોતાના આર્થિક હિતો અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને ધ્યાન પર રાખવી જરૂરી છે.

ભારત-ચીન સંબંધો અંગે વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, 1975થી 2020 સુધી સરહદ પર કોઈ હિંસક ઘટના બની નહોતી, પરંતુ 2020ના સીમા વિવાદે બંને દેશોના સંબંધોને ઊંડી અસર પહોંચાડી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારત-ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા માટે સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવી સૌથી પહેલી શરત છે. તેમણે વેપાર અસંતુલનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું કે ચીન ભારતીય કંપનીઓને પોતાના માર્કેટમાં સમાન તકો આપતું નથી.

  • રશિયા-ચીન નિકટતા અને યુરોપિયન યુનિયન સાથે FTA

રશિયાના ચીન તરફ વધી રહેલા ઝુકાવ અંગે જયશંકરે કહ્યું કે, યુક્રેન યુદ્ધ બાદ રશિયાનું ધ્યાન એશિયા તરફ વધ્યું છે. આવા સમયે ભારત રશિયા માટે એક કુદરતી અને સ્થિર વિકલ્પ છે, જે એશિયામાં શક્તિ સંતુલન જાળવવા માટે પણ જરૂરી છે. આ ઉપરાંત, તેમણે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે, લાંબી વાટાઘાટો બાદ આ વ્યાપારી કરાર આગામી કેટલાક મહિનાઓમાં અથવા વર્ષના અંત સુધીમાં અમલી બને તેવી શક્યતા છે, જેનાથી ભારતને યુરોપના વિશાળ માર્કેટનો લાભ મળશે.

એઆઈના વધી રહેલા પ્રભાવ અંગે વાત કરતા જયશંકરે જણાવ્યું કે, એઆઈનો પ્રભાવ સામાન્ય માણસના દૈનિક જીવન અને લોકશાહી પ્રક્રિયાઓ પર પડે છે. તેથી એઆઈના સુરક્ષિત અને જવાબદારીપૂર્વકના ઉપયોગ માટે વૈશ્વિક સ્તરે સ્પષ્ટ નિયમો અને સુરક્ષા માપદંડો હોવા જરૂરી છે, જેથી આ ટેકનોલોજીનો લાભ દરેક નાગરિક સુધી પહોંચી શકે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular