શ્રીનગર, 19 ઓક્ટોબર 2026: જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ સામે મોટી સફળતા મેળવી છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ખગ વિસ્તારમાં આવેલા ‘શુપ્લિન’ના જંગલોમાંથી સુરક્ષા દળોએ આતંકવાદીઓના એક શંકાસ્પદ અડ્ડાને શોધી કાઢીને તેને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધો છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન જવાનોને શુપ્લિનના જંગલોમાં એક ગુફા જોવા મળી હતી. આ ગુફાની બારીકાઈથી તપાસ કરવામાં આવતા માલૂમ પડ્યું હતું કે આતંકવાદીઓ તેનો ઉપયોગ પોતાના છુપાવાના અડ્ડા તરીકે કરી રહ્યા હતા. સુરક્ષા દળોએ આ અડ્ડા પરથી મોટી માત્રામાં જરૂરી સામાન જપ્ત કર્યો છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ દ્વારા લાંબા સમય સુધી રોકાઈ શકાય તે માટે આ સ્ટોક એકઠો કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી પાંચ કિલો ચોખા, બે કિલો ડુંગળી, 1 કિલો ગોળ, નૂડલ્સના 2 પેકેટ, દૂધના બે પેકેટ, મીઠાનું એક પેકેટ, રિફાઈન્ડ તેલનું એક પેકેટ, ચોકલેટનું એક પેકેટ, ગેસનો ચુલો, પાણીનો જગ, વાસણ, કમ્બલ અને ગાચીલો જપ્ત કરવામાં આવ્યો હતો. આ અડ્ડા પરથી વિપુલ પ્રમાણમાં પ્રોટીન સપ્લીમેન્ટ, રાશન અને શિયાળાના કપડાં મળી આવતા એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આતંકવાદીઓ અહીં લાંબા સમય સુધી છુપાઈને કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. જોકે, સુરક્ષા દળોની તત્પરતા અને સતર્કતાને કારણે આતંકીઓનું આ કાવતરું નિષ્ફળ ગયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સમગ્ર ઓપરેશન અને આતંકીઓના નેટવર્કને લઈને તપાસ ચાલુ છે અને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.


