નવી દિલ્હી, 20 ઓક્ટોબર 2026: ભારતીય પરિવારો માટે સોનામાં રોકાણ અને તહેવારો પર ખરીદી હંમેશાંથી પહેલી પસંદ રહી છે. દશેરા, દિવાળી અને લગ્નસરાની સીઝનમાં સોનાની માંગ સામાન્ય રીતે વ્યાપક પ્રમાણમાં વધી જતી હોય છે. જોકે, સોનાની ઊંચી કિંમતોએ લોકોની ખરીદી કરવાની પદ્ધતિમાં મોટો બદલાવ લાવ્યો છે. કેટલાક પરિવારો હવે ભારેખમ દાગીનાને બદલે હળવા વજનના ઘરેણાં પસંદ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સોનાના સિક્કા,બાર કે ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ તરફ વળી રહ્યા છે. સોનાના ભાવ તેના રેકોર્ડ સ્તરથી નીચે આવ્યા હોવાથી ખરીદદારો મૂંઝવણમાં છે કે શું આ ખરીદી કરવાનો યોગ્ય સમય છે કે પછી કિંમતોમાં હજુ ઘટાડો થઈ શકે છે.
તાજેતરમાં સોનાની કિંમતોમાં થોડી તેદી જોવા મળી છે, જેના મુખ્ય કારણોમાં અમેરિકી ડૉલરનું નબળું પડવું સામેલ છે. રોકાણકારો આગામી ૨૭-૨૮ ઓક્ટોબરે યોજાનારી યુએસ ફેડરલ રિઝર્વની પૉલિસી મીટિંગ પર બાજ નજર રાખી રહ્યા છે, જેનાથી વ્યાજ દરોની ભવિષ્યની દિશા નક્કી થશે. વિદેશી બજારોમાં સ્પોટ ગોલ્ડ 0.1 ટકા વધીને 4,145.22 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચી ગયું છે, જ્યારે ડિસેમ્બર ડિલિવરી માટે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.1 ટકા વધીને 4,164.70 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે.
નિષ્ણાતોના મતે, આ સુધારો જાન્યુઆરી ૨૦૨૬ના રેકોર્ડ સ્તરથી 26 ટકા કરતાં વધુના ઘટાડા બાદ આવ્યો છે. ટ્રેડર્સ અંદાજ લગાવી રહ્યા છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં યથાવત સ્થિતિ રાખી શકે છે. સામાન્ય રીતે ઊંચા વ્યાજ દરો સોના પર દબાણ બનાવે છે કારણ કે સોના પર કોઈ વ્યાજ મળતું નથી, પરંતુ ડૉલર નબળો પડવાથી વિદેશી ખરીદદારો માટે સોનું સસ્તું બને છે.
-
ગોલ્ડ ETF અને ડિજિટલ ગોલ્ડમાં જબરદસ્ત તેજી
ઓગસ્ટ મહિનામાં ગોલ્ડ ETF માં રૂ. 2,596.70 કરોડનો નેટ ઇનફ્લો (રોકાણ) આવ્યો છે, જે જુલાઈના રૂ. 1,559 કરોડ કરતાં ઘણો વધારે છે. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે પોઝિટિવ ઇનફ્લો નોંધાયો છે. 121.3 ટન સોના સાથે, મેનેજમેન્ટ હેઠળની સંપત્તિ વધીને અંદાજે રૂ. 1.91 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. જૂનથી ઓગસ્ટ વચ્ચે ડિજિટલ ગોલ્ડની ખરીદી સરેરાશ રૂ. 2,500 કરોડ પ્રતિ માસ રહી છે, જેમાં ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે 110 ટકાનો વધારો નોંધાયો છે.
બીજી બાજુ, ફિઝિકલ ડિમાન્ડ એટલે કે ભૌતિક સોનાની માંગમાં નબળાઈ જોવા મળી છે. ઓગસ્ટમાં ભારતની સોનાની આયાત ઘટીને 2.3 અબજ ડૉલર રહી ગઈ છે, જે જુલાઈની સરખામણીમાં 45ટકા અને પાછલા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 58ટકા ઓછી છે.
કિંમતોમાં ઘટડા છતાં, ભારતમાં તહેવારો દરમિયાન સોનું ખરીદવું એ એક સાંસ્કૃતિક પરંપરા રહી છે. બ્રિકવર્ક રેટિંગ્સના રિસર્ચ હેડ રાજીવ શરણના જણાવ્યા અનુસાર, તહેવારોના પ્રારંભે 24 કેરેટ સોનું અંદાજે રૂ. 1.48 લાખ પ્રતિ 10 ગ્રામના ભાવે વેપાર કરી રહ્યું હતું. પરિવારોએ પોતાનું બજેટ લગભગ સરખું જ રાખ્યું છે, પરંતુ વજનની દ્રષ્ટિએ ઓછા ઘરેણાં ખરીદી રહ્યા છે. બીજી તરફ રોકાણના હેતુથી સોનું ખરીદવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.
-
શું દિવાળી સુધી સોનાના ભાવ ફરી વધશે?
ઘરેલુ બજારમાં તહેવારો અને લગ્નસરાની માંગ તથા વૈશ્વિક પરિબળો (જેમ કે યુએસ મોનેટરી પૉલિસી, ફુગાવાનો અંદાજ અને ભૌગોલિક રાજકીય તણાવ) પર સોનાનું ભવિષ્ય નિર્ભર છે. નિષ્ણાતો માને છે કે લાંબા ગાળા માટે સોનાનું આઉટલુક પોઝિટિવ છે. આગામી સમયમાં તહેવારોની માંગ ઘરેલુ કિંમતોને ચોક્કસપણે ટેકો પૂરો પાડશે, પરંતુ વૈશ્વિક બજારના વલણો પર નજર રાખવી અનિવાર્ય રહેશે.


