Homeગુજરાતીખોરાકમાત્ર 15 મિનિટમાં બનાવો બજાર જેવા સ્પોન્જી અને જાળીદાર ઢોકળા, જાણો રેસેપી

માત્ર 15 મિનિટમાં બનાવો બજાર જેવા સ્પોન્જી અને જાળીદાર ઢોકળા, જાણો રેસેપી

દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. બીજી તરફ મહિલાઓ ઘરમાં સાફ-સફાઈના કામમાં જોતરાઈ છે. બીજી તરફ બાળકાના નાસ્તાની ડિમાન્ડને કારણે માતાઓની મુશ્કેલીઓ વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ પરિવાર માટે કોઈ ઝટપટ, હળવો અને પૌષ્ટિક નાસ્તો બનાવવાનું વિચારી રહ્યા હોવ, તો માત્ર 15 જ મિનિટમાં તૈયાર થઈ જતા ‘ઈન્સ્ટન્ટ બેસન ઢોકળા’ એક ઉત્તમ વિકલ્પ છે. માત્ર એક કપ ચણાના લોટમાંથી તમે માર્કેટ જેવા જ પોચા, રૂ જેવા જાળીદાર અને સ્વાદિષ્ટ ઢોકળા ઘરે જ બનાવી શકો છો. ચાલો જાણીએ આ આસાન રેસિપી:

  • જરૂરી સામગ્રી

ચણાનો લોટ (બેસન): 1 કપ
ઈનો (ફ્રૂટ સોલ્ટ): 1 નાની ચમચી (અથવા બેકિંગ સોડા)
લીંબુનો રસ: 1 ચમચી
હળદર: ચપટી
મીઠું: સ્વાદ મુજબ
પાણી: જરૂરિયાત મુજબ
વઘાર માટે: 2 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 3-4 લીલા મરચાં (લાંબા સુધારેલા), મીઠા લીમડાના પાન, લીલા ધાણા (કોથમીર), ખાંડ અને પાણી.

  • બનાવવાની સરળ રીત:

સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ સારી રીતે ચાળી લો જેથી તેમાં ગાંઠો ન રહે. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, ચપટી હળદર, લીંબુનો રસ અને થોડું-થોડું પાણી ઉમેરતા જઈને એક જ દિશામાં સતત હલાવીને મધ્યમ સરખું ખીરું તૈયાર કરી લો. ઢોકળા બાફવાના સ્ટીમરને ગેસ પર પાણી મૂકીને ગરમ કરવા મૂકો અને ઢોકળાની થાળીને તેલથી ગ્રીસ કરી લો. સ્ટીમર તૈયાર થઈ જાય એટલે ખીરામાં 1 ચમચી ઈનો ઉમેરી, તેના પર 1 ચમચી પાણી છાંટીને હળવા હાથે એક જ દિશામાં મિક્સ કરી લો. ખીરું તરત જ ફ્લફી (ફૂલી) જશે. હવે આ ખીરાને તેલ લગાવેલી થાળીમાં પાથરી દો અને સ્ટીમરમાં 10 થી 12 મિનિટ માટે ફૂલ ગેસ પર બાફી લો.

ઢોકળા બફાઈ જાય એટલે થાળી બહાર કાઢી થોડી ઠંડી થવા દો અને તેના મનપસંદ સાઈઝના ટુકડા કરી લો. હવે એક વઘારિયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ, મરચાં અને લીમડાનો વઘાર કરો. જો તમારે ઢોકળા એકદમ જૂસી અને સોફ્ટ જોઈતા હોય, તો આ વઘારમાં અડધો કપ પાણી અને 1 ચમચી ખાંડ ઉમેરી ઉકાળો. આ ગરમ-ગરમ વઘારનું પાણી ઢોકળા પર બધી બાજુ રેડી દો, જેથી ઢોકળા તેને સોષી લેશે અને એકદમ સોફ્ટ થઈ જશે. ઉપરથી લીલા ધાણા છાંટીને લીલી ચટણી કે ચા સાથે પીરસો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular