બેંગલુરુ, 31 ઓક્ટોબર 2026: બેંગલુરુની એક ફાઈવ-સ્ટાર હોટેલમાં શુક્રવારે સાંજે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં હોટેલના સ્વિમિંગ પૂલમાં વીજળીનો આંચકો લાગવાને કારણે બે વિદેશી નાગરિકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના શહેરની ‘કોનરાડ’ (Conrad) નામની ફાઈવ-સ્ટાર હોટેલમાં બની હતી.
મૃતકોની ઓળખ જર્મની અને સ્લોવાકિયાના નાગરિકો તરીકે થઈ છે, જેઓ આ હોટેલમાં રોકાયા હતા. આ બે વ્યક્તિઓ ઉપરાંત, તેમને બચાવવાના પ્રયાસમાં અન્ય બે વ્યક્તિઓ પણ ઘાયલ થયા હતા, જેમાં હોટેલમાં રોકાયેલા એક અમેરિકન મહેમાન અને પૂલ પર ફરજ બજાવતા ભારતીય કર્મચારીનો સમાવેશ થાય છે.
મૃતકોની ઓળખ
જર્મન નાગરિકની ઓળખ 57 વર્ષીય એલેક્ઝાન્ડર મેક્સિમિલિયન થીસ તરીકે થઈ છે, જે લુફ્થાન્સા એરલાઇન્સમાં ક્રૂ મેમ્બર હતા. આ ઉપરાંત, જીવ ગુમાવનાર સ્લોવાકિયન નાગરિક 45 વર્ષીય જુરાજ હોરવાટ હતા, જેઓ ટેક કંપની IBMમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતા હતા.
બચાવ કામગીરીના પ્રયાસ દરમિયાન બે વ્યક્તિઓ ઘાયલ થયા
મળતી માહિતી મુજબ, આ ઘટના શુક્રવારે સાંજે હોટેલના ત્રીજા માળે આવેલા સ્વિમિંગ પૂલમાં બની હતી, જ્યાં બે વ્યક્તિઓ તરવા માટે ગયા હતા. હોટેલમાં રોકાયેલા 41 વર્ષીય અમેરિકન નાગરિક મેથ્યુ ડીસેન્ટિસ અને પૂલ એટેન્ડન્ટ રાહુલ તિવારી (28) પીડિતોને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ઘાયલ થયા હતા. તેમને મણિપાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. જાણવા મળ્યા મુજબ, તેઓ હવે જોખમની બહાર છે.
પોલીસે કેસ નોંધી લીધો છે અને તપાસ ચાલી રહી છે. આ ઘટના અંગે હોટેલ મેનેજમેન્ટ તરફથી અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. શનિવારે સવારે હોટેલની વેબસાઇટ પર એક સૂચના મૂકવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે મેન્ટેનન્સ (જાળવણી) કામગીરી માટે તેમનો સ્વિમિંગ પૂલ 31 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી બંધ રહેશે.
આ કોનરાડ હિલ્ટન ગ્રુપની 24 માળની, લક્ઝરી ફાઇવ-સ્ટાર હોટેલ છે. આ ઘટનાએ હોટેલની બેદરકારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. અહીં એક સામાન્ય રૂમમાં રોકાવાનો ખર્ચ પ્રતિ રાત ઓછામાં ઓછો 25,000 રૂપિયા છે.
વધુ વાંચો: વર્ષ 2026 માટે 490 પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદકથી સન્માનિત કરાયા


