નવી દિલ્હી, 4 નવેમ્બર 2026: દેશમાં બાળમજૂરી નાબૂદી કાયદાની અમલવારી પર સીધી દેખરેખ રાખવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક અત્યંત મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવને બાળ અને કિશોર શ્રમ કાયદાના અમલીકરણ માટે તાત્કાલિક અસરથી એક ‘વિશેષ સેલ’ ગઠિત કરવા નિર્દેશ આપ્યો છે. આ સેલ દેશભરમાં કાયદાકીય જોગવાઈઓનું સખત રીતે પાલન થાય તે સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને રાજ્યના તમામ મુખ્ય સચિવો મારફતે સ્થાનિક અમલીકરણ એજન્સીઓને કડક સૂચનાઓ જારી કરવા આદેશ આપ્યો છે, જેથી આ કાયદાને જમીની સ્તરે વધુ અસરકારક રીતે લાગુ કરી શકાય.
જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટી અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે બાળ અને કિશોર શ્રમ કાયદાના વિવિધ પ્રાવધાનો અને કલમ-3 ને પડકારતી અરજીનો નિકાલ કરતી વખતે આ મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. અસલ કાયદાની કલમ-3 હેઠળ બાળકોને માત્ર અમુક ચોક્કસ જોખમી ઉદ્યોગો કે કાર્યોમાં જ કામે રાખવા પર રોક લગાવવામાં આવી હતી.
- 2016 ના સુધારા બાદ કાયદો બન્યો વધુ કડક
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે વર્ષ 2016 માં આ કાયદામાં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો હતો. આ સંશોધન મુજબ, 14 વર્ષથી ઓછી વયના બાળકોને કોઈપણ પ્રકારના વ્યવસાય, કામ કે પ્રક્રિયામાં રાખવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર, બાળકો માત્ર શાળાના સમય પછી અથવા રજાઓ દરમિયાન તેમના પરિવારના એવા વ્યવસાયોમાં મદદ કરી શકે છે જે જોખમી ન હોય અને તે પણ કાનૂની શરતોનું પાલન કરીને. ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે આ સંસદીય ફેરફારો બાદ મૂળ અરજીમાં કરવામાં આવેલી માંગણીઓ હવે વિચારવા યોગ્ય રહેતી નથી. જો કે, આ સુધારેલા કાયદાનો કડક અને અસરકારક અમલ થાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સત્તામંડળોની છે.








