શિયાળાની ઋતુ શરૂ થતાં જ ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. ઠંડી અને ઠંડી હવાઓના કારણે ત્વચાની કુદરતી મોઈશ્ચર ઘટવા લાગે છે, જેનાથી ચહેરો શુક્ષ અને નિર્જીવ દેખાવા લાગે છે. આ ઉપરાંત, હોઠ ફાટવા, સ્કેલ્પમાં ખંજવાળ અને વાળ સૂકા થઈને તૂટવાની સમસ્યાઓ પણ સામાન્ય બની જાય છે. આ તમામ પરેશાનીઓથી બચવા માટે લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ અને ઘરેલુ નુસ્ખા અજમાવતા હોય છે, પરંતુ રોજિંદી કેટલીક નાની ટેવોમાં બદલાવ કરીને પણ ત્વચા અને વાળની વધુ સારી માવજત કરી શકાય છે.
- શિયાળામાં ત્વચાનું શુષ્કપણું કેવી રીતે દૂર કરવું?
ઠંડીની મોસમમાં હવામાં ભેજનું પ્રમાણ ઘટવાને કારણે ત્વચાનું કુદરતી મોઈશ્ચર પ્રભાવિત થાય છે. આ સિવાય વારંવાર ગરમ પાણીથી ન્હાવું, કઠોર સાબુનો ઉપયોગ કરવો અને ન્હાયા પછી મોઈશ્ચરાઈઝર ન લગાવવું પણ ત્વચાનો ડ્રાયનેસ વધારી શકે છે. આ સમસ્યાથી બચવા માટે ન્હાયાની તરત જ ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવો, જે ત્વચામાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. ન્હાવા માટે ખૂબ ગરમ પાણીના બદલે હૂંફાળા પાણીનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. સાથે જ, એવા સાબુ અને બોડી વૉશથી દૂર રહો જે ત્વચાને વધુ શુષ્ક બનાવે છે.
-
નાળિયેર તેલ કે મોઈશ્ચરાઈઝર, શું છે વધુ બેસ્ટ?
શિયાળામાં ત્વચાને મુલાયમ રાખવા માટે નાળિયેર તેલ અને મોઈશ્ચરાઈઝર બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. નાળિયેર તેલ ત્વચાને નરમ બનાવવા અને નમીનું નુકસાન અટકાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જોકે, કેટલાક લોકોની ત્વચા પર તે રોમછિદ્રો બ્લોક કરીને ખીલની સમસ્યા વધારી શકે છે. બીજી બાજુ, મોઈશ્ચરાઈઝરમાં રહેલા ગ્લિસરીન, સેરામાઈડ અને હાયલુરોનિક એસિડ જેવા તત્વો ત્વચામાં લાંબા સમય સુધી નમી જાળવી રાખે છે. તેથી તમારી ત્વચાના પ્રકાર મુજબ યોગ્ય મોઈશ્ચરાઈઝર પસંદ કરવું ખૂબ જરૂરી છે. સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ સુગંધ વગરની પ્રોડક્ટ્સને પ્રાથમિકતા આપવી જોઈએ.
-
ફાટેલા હોઠોથી રાહત મેળવવા અપનાવો આ રીતો
શિયાળામાં હોઠ ફાટવા એ સૌથી સામાન્ય સમસ્યા છે. ઘણા લોકો વારંવાર જીભથી હોઠને ભીના કરતા હોય છે અથવા દાંતથી સૂકી ચામડી કાઢવા લાગે છે. આવું કરવાથી હોઠનું શુષ્કપણું અને બળતરા વધુ વધી શકે છે. આ મુશ્કેલીથી બચવા માટે દિવસમાં ઘણી વખત પેટ્રોલિયમ જેલી અથવા સુગંધ વગરનો લિપ બામ લગાવો. હોઠની સૂકી પરતને ખેંચીને કાઢવાનું ટાળો. એવા લિપ પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ ન કરો જેનાથી ત્વચામાં બળતરા કે ખંજવાળ થતી હોય.
- શિયાળામાં વાળને ખરતા કેવી રીતે અટકાવવા?
ઠંડીની ઋતુમાં સ્કેલ્પનું શુષ્કપણું, ખૂબ ગરમ પાણીથી વાળ ધોવા અને હેર ડ્રાયર કે સ્ટ્રેટનર જેવા હીટિંગ ટૂલ્સનો વધુ પડતો ઉપયોગ વાળને નબળા બનાવી શકે છે. આ ઉપરાંત, માનસિક તણાવ અને પોષક તત્વોની ઉણપ પણ વાળ ખરવાનું મુખ્ય કારણ બની શકે છે. વાળની સંભાળ માટે હળવા શૈમ્પૂનો ઉપયોગ કરો અને તેને અતિશય ગરમ પાણીથી ધોવાનું ટાળો. ભીના વાળને ટાવલથી જોર-જોરથી ઘસવાને બદલે હળવા હાથે સૂકવો. હીટિંગ ટૂલ્સનો ઉપયોગ પણ બની શકે એટલો ઓછો કરો.
-
ડાયેટમાં સામેલ કરો જરૂરી પોષક તત્વો
ત્વચા અને વાળને સ્વસ્થ રાખવા માટે બાહ્ય માવજતની સાથે-સાથે આહાર પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય છે. તમારા ડાયેટમાં પ્રોટીન, વિટામિન્સ અને અન્ય જરૂરી પોષક તત્વોથી ભરપૂર આહાર સામેલ કરો. પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ એટલું જ જરૂરી છે. જો તમારા વાળ સતત અથવા સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં ખરી રહ્યા હોય, સ્કેલ્પમાં કોઈ સમસ્યા લાંબો સમય ટકી રહે અથવા ત્વચાનું શુષ્કપણું દૂર ન થતું હોય, તો ત્વચા નિષ્ણાતની સલાહ અવશ્ય લો. યોગ્ય કાળજી અને રોજિંદી સારી આદતો અપનાવીને શિયાળામાં પણ ત્વચા અને વાળને તંદુરસ્ત રાખી શકાય છે.








