આજના વ્યસ્ત જીવનમાં મોટાભાગના લોકો ખાવા-પીવા પર ધ્યાન તો આપે છે, પરંતુ સવારે ઉઠતાંની સાથે જ પેટમાં સૌથી પહેલા શું પધરાવવું જોઈએ તે બાબતે બેદરકાર રહે છે. નિષ્ણાતોના મતે, સવારની શરૂઆત કેવી રીતે થાય છે તે આપણા આખા દિવસના એનર્જી લેવલ, પાચન અને મૂડને નક્કી કરે છે. જાણીતા ન્યુટ્રિશનિસ્ટ દીપશિખા જૈને પોતાની મોર્નિંગ રૂટિન શેર કરતા જણાવ્યું છે કે તેઓ સવારે ઉઠીને ખાલી પેટે કઈ 3 ખાસ વસ્તુઓનું સેવન કરે છે. જો તમે પણ સવારે સુસ્તી, થાક કે આળસ અનુભવતા હોવ, તો આ સરળ અને અસરકારક આદતોને તમારી દિનચર્યાનો ભાગ બનાવી શકો છો:
- 250 મિલી પાણી પીને દિવસની શરૂઆત કરો
રાત્રે 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ દરમિયાન શરીર હાઇડ્રેટ રહેતું નથી, જેના કારણે સવારે ઉઠતી વખતે હળવું ડિહાઇડ્રેશન (પાણીની કમી) અનુભવાય છે. ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા મુજબ, સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા 250 મિલી નવશેકું કે સાદું પાણી પીવું જોઈએ. આનાથી રાત્રિ દરમિયાન ઘટેલા ફ્લુઇડ્સની ભરપાઈ થાય છે અને પાચનક્રિયા (મેટાબોલિઝમ) તુરંત જ સક્રિય થઈ જાય છે.
- હેલ્ધી ફેટ (1 ચમચી શુદ્ધ નારિયેળ તેલ)
પાણી પીધા પછી તરત જ ચા કે નાસ્તો કરવાને બદલે 1 ચમચી ‘વર્જિન કોકોનટ ઓઇલ’ (શુદ્ધ નારિયેળ તેલ) લેવાની સલાહ આપવામાં આવે છે. સવારે ખાલી પેટે હેલ્ધી ફેટનું સેવન કરવાથી બ્લડ સુગરનું સ્તર દિવસભર નિયંત્રણ અને સ્થિર રહે છે. તેનાથી વારંવાર ભૂખ લાગવાની સમસ્યા અટકે છે અને દિવસભર શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.
- એક કપ બ્લેક કોફી (એનર્જી અને ફોકસ માટે)
આ મોર્નિંગ રૂટિનના છેલ્લા ચરણમાં તેઓ એક કપ ગરમ બ્લેક કોફી લે છે. બ્લેક કોફીમાં રહેલું કેફીન સવારે શરીરમાં કોર્ટિસોલનું કુદરતી સ્તર વધારવામાં મદદ કરે છે, જેનાથી આળસ પળભરમાં દૂર થાય છે અને વ્યક્તિ વધુ એકાગ્ર તથા સતર્ક અનુભવે છે. આ ઉપરાંત, કોફીમાં ભરપૂર પ્રમાણમાં પોલીફેનોલ્સ (એન્ટિઓક્સિડન્ટ્સ) હોય છે, જે આંતરડા અને પાચન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.
આ ત્રણેય ચીજોનો યોગ્ય સમન્વય સવારે પાચનતંત્રને શાંત રાખીને આખો દિવસ શરીરને કાર્યક્ષમ અને ઉર્જાવાન રાખવામાં ઉત્તમ ભૂમિકા ભજવે છે.








