Homeગુજરાતીઓટોસરકારી કર્મચારીઓ માટે હવે ઇલેક્ટ્રિક કાર ખરીદવાને પ્રાથમિકતા આપશે

સરકારી કર્મચારીઓ માટે હવે ઇલેક્ટ્રિક કાર ખરીદવાને પ્રાથમિકતા આપશે

નવી દિલ્હી : દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે તમામ મંત્રાલયો અને સરકારી વિભાગોને તેમના કર્મચારીઓ માટે કાર ખરીદતી વખતે ઇલેક્ટ્રિક વાહનો (EV)ને સામાન્ય અને પ્રથમ પસંદગી તરીકે રાખવા સૂચના આપી છે.

નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા 10 નવેમ્બરે જાહેર કરવામાં આવેલા નવા આદેશ મુજબ, સરકારી વિભાગો હવે જૂની પેટ્રોલ-ડીઝલ કાર બદલશે અથવા નવી કાર ખરીદશે ત્યારે સામાન્ય રીતે ઇલેક્ટ્રિક કારને પ્રાથમિકતા આપશે.

આ નવી માર્ગદર્શિકા હેઠળ ઇલેક્ટ્રિક કારની ખરીદી માટે મહત્તમ રૂ. 20 લાખની નેટ ડીલર પ્રાઇસ (NDP) મર્યાદા નક્કી કરવામાં આવી છે. જ્યારે પેટ્રોલ, ડીઝલ અને હાઇબ્રિડ કાર સહિત પરંપરાગત વાહનો માટે આ મર્યાદા રૂ. 10 લાખ રાખવામાં આવી છે. એટલે કે ઇલેક્ટ્રિક કાર માટેની કિંમત મર્યાદા પરંપરાગત વાહનો કરતાં બમણી કરવામાં આવી છે.

અગાઉ વર્ષ 2022માં જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ સરકારી વિભાગો માટે કાર ખરીદવાની કિંમત મર્યાદા રૂ. 6 લાખ હતી. હવે બજારમાં વાહનોની વર્તમાન કિંમતો અને વાહનના સમગ્ર ઉપયોગકાળ દરમિયાન થતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  • પેટ્રોલ-ડીઝલ કાર ખરીદવા માટે લેવી પડશે મંજૂરી

નવા નિયમ મુજબ જો કોઈ મંત્રાલય કે સરકારી વિભાગ માટે ઇલેક્ટ્રિક વાહન ખરીદવું કે તેનો ઉપયોગ કરવો વ્યવહારુ ન હોય અને પેટ્રોલ-ડીઝલ કાર ખરીદવાની જરૂરિયાત હોય, તો તેના માટે યોગ્ય કારણો સાથે ખર્ચ વિભાગને મંજૂરીનો પ્રસ્તાવ મોકલવો પડશે. આવા દરેક પ્રસ્તાવની અલગથી સમીક્ષા કરવામાં આવશે. આ પ્રસ્તાવ સંબંધિત મંત્રાલયના સચિવની મંજૂરી અને નાણાકીય સલાહકારની સંમતિ બાદ મોકલી શકાશે.

આ ઉપરાંત સરકારી વિભાગોએ ઇલેક્ટ્રિક વાહનો ભાડે લેવા અંગે વર્ષ 2022માં જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પણ પાલન કરવાનું રહેશે. જો કોઈ કિસ્સામાં પેટ્રોલ કે ડીઝલ વાહન ભાડે લેવું જરૂરી બને તો તેના માટે પણ ખાસ મંજૂરી લેવી પડશે.

  • પ્રદૂષણ ઘટાડવા સરકારનો પ્રયાસ

કેન્દ્ર સરકારનો આ નિર્ણય દેશમાં સ્વચ્છ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા, અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા, ઊર્જા સુરક્ષા મજબૂત કરવા અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના પ્રયાસનો એક ભાગ છે.

આ નિર્ણયથી સરકારી વાહન વ્યવસ્થામાં ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ વધવાની સાથે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના બજારને પણ પ્રોત્સાહન મળવાની શક્યતા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img