ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં બુધવારે આતંકવાદીઓએ પોલીસ ટીમ પર મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ડીએસપી) સહિત 11 પોલીસકર્મીઓનાં મોત થયાં છે, જ્યારે અન્ય 12 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, પોલીસની એક ટુકડી ગેરકાયદે સોનાની ખાણકામ સામે કાર્યવાહી કરવા માટે દરોડો પાડવા જઈ રહી હતી. આ દરમિયાન કોહાટ અને કરક જિલ્લા વચ્ચે આવેલા દરબોકાચ જલંધર બાંદા વિસ્તારમાં પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા સશસ્ત્ર હુમલાખોરોએ પોલીસ ટીમ પર અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી પોલીસ ટુકડીને ભારે નુકસાન થયું હતું.
કોહાટ પોલીસના પ્રવક્તા મોહમ્મદ નૌમાન ઝેબના જણાવ્યા અનુસાર, હુમલામાં 11 પોલીસકર્મીઓનાં મોત થયાં છે અને 12 કર્મચારીઓ ઘાયલ થયા છે. મૃતકોમાં ગેમ્બટ વિસ્તારના ડીએસપી હૈદર ઝમાન અને સબ-ઇન્સ્પેક્ટર મુખ્તિયારનો પણ સમાવેશ થાય છે.
પાંચ પોલીસ વાહનોને આગ ચાંપી
હુમલાખોરોએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યા બાદ પાંચ પોલીસ વાહનોને પણ આગ ચાંપી દીધી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધારાના પોલીસ દળોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચે સામસામે ગોળીબાર પણ થયો હતો. ઘાયલ પોલીસકર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર
હુમલાની જાણ થતાં જ સ્થાનિક જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તબીબી કર્મચારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા, જેથી ઘાયલોને તાત્કાલિક સારવાર આપી શકાય. બીજી તરફ, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.
ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલાઓમાં વધારો
નોંધનીય છે કે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ અને સુરક્ષા દળોને નિશાન બનાવીને હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. આર્મ્ડ કોન્ફ્લિક્ટ લોકેશન એન્ડ ઇવેન્ટ ડેટા (ACLED)ના આંકડા મુજબ, પાકિસ્તાનમાં આતંકી હુમલાઓની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2022માં 658 હુમલાઓ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2025માં આ સંખ્યા વધીને 2,425 થઈ હતી. આમ, માત્ર ત્રણ વર્ષમાં હુમલાઓની સંખ્યામાં લગભગ ચાર ગણો વધારો નોંધાયો છે.
કોહાટમાં થયેલા આ હુમલાએ પાકિસ્તાનની આંતરિક સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર પડકાર ઊભો કર્યો છે.








