- વિરમગામના શાહપુર ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો
- જિલ્લા પંચાયત પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, ધારાસભ્ય સર્વે હાર્દિકભાઈ પટેલ, કિરીટસિંહ ડાભીની ઉપસ્થિતિ
- જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
વિરમગામ, 15 નવેમ્બર, 2026 – 151st Birth Anniversary of Bhagwan Birsa Munda ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તા. 12થી 18 નવેમ્બર, 2026 દરમિયાન ‘જનજાતીય ગૌરવ દિવસ-2026’ની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે.
આ ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શાહપુર ગામે વિશેષ જિલ્લાકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, ધારાસભ્ય સર્વે હાર્દિકભાઈ પટેલ, કિરીટસિંહ ડાભી અને ભાજપના નેતા જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનજાતિ સમાજના ઇતિહાસ, યોગદાન અને બલિદાનને રાષ્ટ્રીય સ્તરે સન્માન આપવા ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતીને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો અને આજે સમગ્ર ભારતમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. આપણા આદિજાતિ સમાજના મહાન નાયકોના યોગદાનને યાદ કરવાનો આ પવિત્ર અવસર છે.
આ પણ વાંચોઃ ભારતથી સિંગાપોર સુધી પહોંચશે વીજળી! 3,000 કિમી લાંબા પાવર કોરિડોરની યોજના
તેમણે કહ્યું કે, આજે આપણું શાહપુર ગામ એ આદિજાતિ સમાજના પઢાર સમુદાયનું વિશેષ ગામ છે. આવા સુંદર ગામે આ પ્રકારના ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું છે અને રાજ્ય સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ સીધી જ લોકો સુધી પહોંચે તેવું ઉત્તમ આયોજન કરાયું છે, તે બદલ હું રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમણે ઉમેર્યું કે, સરકારે હંમેશાં આદિજાતિ સમાજને મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું કામ કર્યું છે.
આપણા પઢાર સમુદાયના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં પણ વિશેષ યોજનાની જોગવાઈ કરવામાં આવી છે, જેનો સીધો અને મોટો લાભ આપણા આ સમુદાયના ભાઈ-બહેનોને મળશે તેવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે ઉપસ્થિત સૌને ખાતરી આપતા જણાવ્યું કે, આગામી સમયમાં પઢાર સમાજને વધુમાં વધુ યોજનાકીય વિશેષ લાભો મળી રહે અને આ સમાજ પ્રગતિના શિખરો સર કરે, તે દિશામાં અમે સતત અને સક્રિયપણે કાર્યરત રહીશું.
આ પ્રસંગે કાર્યક્રમના પ્રદેશ ભાજપ અગ્રણી જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, આપણે સૌ એ વાતથી ગર્વ અનુભવીએ છીએ કે આપણો દેશ ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો અદ્ભુત દેશ છે. અહીં અનેક જાતિઓ, સમુદાયો અને સંસ્કૃતિઓ છે, છતાં આપણે સૌ એક જ તાંતણે બંધાયેલા છીએ અને આપણી આ જ વિવિધતા આપણી સૌથી મોટી તાકાત છે.
આ પણ વાંચોઃ ઊંઘ અને મગજના તરંગોનો માનવ વર્તન સાથે સંબંધ રહેલો છે
વધુમાં તેમણે કહ્યું કે, આદિજાતિ સમાજ હંમેશાંથી પ્રકૃતિ સાથે વિશેષ નાતો ધરાવતો રહ્યો છે. જંગલો અને કુદરતની ગોદમાં રહેતો આ સમાજ આપણી સંસ્કૃતિનો મુખ્ય આધાર છે. આદિજાતિ સમાજ સુધી વિકાસના પૂરતા લાભો પહોંચે અને તેઓ પ્રગતિના પંથે આગળ વધે તે માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક ઐતિહાસિક કાર્યો કર્યા છે. આજે તેમના માર્ગદર્શન હેઠળ આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના દ્વાર ખુલી ગયા છે તેવું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે. સરકારનો અથાગ પ્રયાસ રહ્યો છે કે, કોઈપણ વ્યક્તિ વિકાસના લાભથી વંચિત ન રહી જાય તેવું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે વિરમગામ પ્રાંત અધિકારીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આજના દિવસે વિશેષ સંબોધન વર્ચ્યુઅલી માધ્યમથી સાંભળ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સહાય તથા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા-તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦








