અમદાવાદ, 13 નવેમ્બર, 2026 : Rally at Isanpur on the occasion of Birsa Munda’s 151st birth anniversary ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી તા.15 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ભગવાન બિરસા મુંડા ગાર્ડન, પુષ્પક સોસાયટીની બાજુમાં, મોની હોટલના ખાંચા પાસે સવારે રેલી અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સમગ્ર દેશમાં આશરે 500 સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન પ્રસારિત કરવામાં આવશે, જેનું મોટી સંખ્યામાં નાગરિકો દ્વારા સામૂહિક નિદર્શન કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં AMC દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ, મોટી સંખ્યામાં નાગરિકો અને યુવાનો જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે આજે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે કાર્યક્રમની વિગતો આપતા નાગરિકો તેમજ મીડિયા પ્રતિનિધિઓને ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.
અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ માત્ર એક ઉજવણી નથી, પરંતુ તેમના સંઘર્ષ, શૌર્ય, બલિદાન અને દેશના આદિવાસી સમાજ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરવાનો અવસર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનું સમગ્ર દેશમાં આશરે 500 સ્થળોએ પ્રસારણ થવાનું છે, ત્યારે અમદાવાદમાં ઇસનપુર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બને તેવી અપીલ કરું છું. અમદાવાદ શહેરમાં આ કાર્યક્રમને વિશેષ રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર દ્વારા શહેરના નાગરિકો, યુવાનો અને આદિવાસી સમાજના સૌ આગેવાનોને રેલી અને જાહેરસભામાં ઉત્સાહપૂર્વક જોડાવા આમંત્રિત કરવામાં આવ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ દેશની આઝાદી અને આદિવાસી સમાજના હક-અધિકારો માટે આપેલું યોગદાન હંમેશાં પ્રેરણારૂપ રહેશે. તેમની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારી રેલી અને જાહેરસભા દ્વારા તેમની શૌર્યગાથા, સંઘર્ષ અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણભાવનાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પે અને રાષ્ટ્રીય સ્તરે યોજાનારા આ કાર્યક્રમમાં સહભાગી બને તે માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા સૌને અપીલ કરવામાં આવી છે.








