- ‘બિરસાઈત’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ: ભગવાન બિરસા મુંડાની ભૂમિકામાં જોવા મળશે ધ્રુવ કરુણાકર
[અલકેશ પટેલ] રિવોઈ એક્સક્લુઝિવ. મુંબઈ, 15 નવેમ્બર, 2026: A film will be made on the life of Bhagwan Birsa Munda જનજાતીય ગૌરવ દિવસ અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની તથા આધ્યાત્મિક નેતા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીના અવસરે, 15 November, 2026ના રોજ નિર્માતાઓએ આગામી ફિલ્મ ‘બિરસાઈત’ (BIRSAAIT)નો ફર્સ્ટ લુક ટીઝર રિલીઝ કર્યો છે. આ સાથે જ જાહેરાત કરવામાં આવી છે કે આ ફિલ્મ 6 ઓગસ્ટ, 2027ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં એકસાથે 18 ભાષાઓમાં રિલીઝ થશે.
નીતિન ગાવડે દ્વારા નિર્દેશિત આ ઐતિહાસિક એક્શન-ડ્રામા ફિલ્મમાં ધ્રુવ કરુણાકર (ધ્રુવ કરુણાકર શેટ્ટી) ધરતી આબા ભગવાન બિરસા મુંડાની મુખ્ય ભૂમિકામાં પદાર્પણ કરી રહ્યા છે. નવરસ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નાઈનફોલ્ડ પિક્ચર્સના સહયોગથી પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ શ્રિયા તોરણે અને સૌમય જૈન દ્વારા કરવામાં આવ્યું છે.
‘ઉલગુલાન’ આંદોલન મોટા પડદે જીવંત થશે
19મી સદીના અંત ભાગના બ્રિટિશ શાસન હેઠળના ભારતની પૃષ્ઠભૂમિ પર આધારિત ‘બિરસાઈત’માં બિરસા મુંડાના જીવન, આધ્યાત્મિક જાગૃતિ અને સશસ્ત્ર પ્રતિકારની ગાથા રજૂ કરવામાં આવી છે. તેમણે અંગ્રેજ શાસન સામે આદિવાસી સમુદાયોને એકજૂથ કર્યા હતા અને આદિવાસીઓની જમીન, ઓળખ તથા સ્વતંત્રતાના રક્ષણ માટે ઐતિહાસિક ‘ઉલગુલાન’ (મહાવિદ્રોહ) આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.
અઢી મિનિટના આ ફર્સ્ટ લુક ટીઝરની શરૂઆત જંગલના તોફાન વચ્ચે બિરસા મુંડાના જન્મથી થાય છે અને ત્યારબાદ બ્રિટિશ દળો સામે તીર-કામઠાં, કુહાડી અને વૃક્ષો પરથી કરાતા હુમલા જેવા જંગલ યુદ્ધના રોમાંચક દ્રશ્યો જોવા મળે છે. ટીઝરમાં સૂર્યોદય સમયે અપાયેલા તેમના જોશીલા ભાષણની ઝલક પણ છે અને અંતે સળગતા તીર વડે ધ્વજને આગ લાગવાના દ્રશ્ય સાથે ફિલ્મનું ટાઇટલ રજૂ થાય છે.
દિગ્ગજ ટેકનિકલ ટીમનો સાથ
આ ફિલ્મમાં ધ્રુવ કરુણાકર ભગવાન બિરસા મુંડાના પાત્રમાં જોવા મળશે, જ્યારે અન્ય સહાયક કલાકારોના નામની જાહેરાત આગામી મહિનાઓમાં કરવામાં આવશે. ભારતીય સિનેમાની અનુભવી ટેકનિકલ ટીમ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી છે, જેમાં એક્શન માસ્ટર પીટર હેઈન, સંગીત નિર્દેશક અનૂપ રૂબેન્સ, સિનેમેટોગ્રાફર બાલકૃષ્ણ થોટા, સંવાદ લેખક સૌરભ પાંડે, એડિટર અજય વર્મા, પ્રોડક્શન ડિઝાઇનર વિનાયક હોજગે, કોસ્ચ્યુમ ડિઝાઇનર ચંદ્રકાંત સોનવણે અને લુક ડિઝાઇનર સંતોષ ગિલબિલેનો સમાવેશ થાય છે. ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હર્ષ પંડિત અને ઐશ્વર્યા મિશ્રા છે, જ્યારે વિઝ્યુઅલ પ્રોડક્શન ડિઝાઇન શ્રિયા તોરણેએ સંભાળી છે.
ભારતીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી ‘બિરસાઈત’ 6 ઓગસ્ટ, 2027ના રોજ 18 ભાષાઓમાં રિલીઝ થઈને ભગવાન બિરસા મુંડાના વારસા અને ભારતના આદિવાસી સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથાને વૈશ્વિક સ્તરે પહોંચાડશે.
♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦








